પૃષ્ઠ:Karanghelo.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૬ )

થાય, પણ છોકરી જીવતી રહી પોતાની આંખ આગળ રહે તેથી જીવને શાતા વળે. વળી તેને સલાહ પુછવા, સાથે જવા આવવા, તથા ઘરનું કામકાજ કરવામાં કામ આવે. બીજું તે ઘરડી અશક્ત થઈ ખાટલે પડે ત્યારે રાંડેલી છોકરી તેની ચાકરી કરવામાં તથા તેની સંભાળ રાખવામાં લાખ રૂપિયાની થઈ પડે. દુ:ખનું ઓસડ દહાડા, રાંડેલાં બઈરાં ધણીનું દુઃખ પણ કેટલેક વર્ષે ભૂલી જાય ત્યારે રાંડેલી તો રાંડેલી પણ જીવતી છોકરીથી તેનાં માબાપના અંતઃકરણમાં તો સંતોષ થાય, એ પ્રમાણે વિચાર ગુણસુંદરી (કેશવની વહુ જેનું નામ તેને યોગ્ય જ હતું, કેમકે અગરજો તેનું રૂપ તેની જેઠાણીના જેવું નહતું તો પણ તેનામાં ગુણ રૂપસુંદરી કરતાં વધારે હતા, અને તેના કેટલાએક ગુણો તે માણસોમાંથી પણ થોડામાં જ શોધ્યા જડે એવા હતા ) ની માએ કીધો, હવે જો છોકરી સતી થાય તો સારું કેટલું ? આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં તેનું નામ કીર્તિવંત થાય, તેની આખી ન્યાતને તેથી શોભા મળે, તેના કુટુંબની પ્રતિષ્ઠા વધે, અને તેના માબાપને સૌ કોઈ ધન્ય ધન્ય કહે, વળી શાસ્ત્ર પ્રમાણે તેનો તથા તેના ધણીનો ઉદ્ધાર થાય અને બધા દેવલોક તેને જોઈને પ્રસન્ન થાય, એ સઘળા વિચારથી ગુણસુંદરીની માના મનમાં ધર્મનો જુસ્સો ભરાયો અને તેની છોકરી જીવે તે કરતાં મરે તો સારું એવું તેના મનમાં નક્કી થયું. તોપણ પોતાની છોકરીનું મન જોવાને તેને પુછ્યું, “બેન, લોકમાં વાત ચાલી રહી છે કે તું તારો દેહ તારા ધણીને અર્પણ કરનાર છે, એ વાત ખરી હોય તો મારી જાત ઉપર, મારી ઉમ્મર ઉપર, મારી અવસ્થા ઉપર વિચાર કરીને જે કામ કરવું હોય તે કરજે. તારા વિના મારાથી જીવાવાનું નથી, તારી પાછળ હું મારો દેહ પાડીશ, પછી તારા બાપની, તારાં નાનાં નાનાં ભાઈ બેનની શી વલે થશે ? શું હું તને મરતાં જોઉં ? શું તું તારી મેળે મરે, અને હું ડોશી તને વળાવી જીવું ? એમ કદી થનાર નથી. માટે તારા દુ:ખના જોશમાં તેં જે કાંઈ ગાંડો વિચાર કીધો હોય તે મનમાંથી કાઢી નાંખ અને પરમેશ્વરે જે આફત મોકલી છે તે સહીને દુઃખેપાપે દહાડા કાઢવા ઉપર નજર રાખ. જો તારો આવરદા ટુંકો જ હશે તો વધારે જીવવું નહી પડે. પણ જાણી જોઈને તે કેમ