પૃષ્ઠ:Karanghelo.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૫૩ )
પાપી માનવિ ક્લેશમાં રઝળતો, દીસે ઉદાસી ખરે,
આશામાં રહી કાળ તે નિરગમે, ભામા વૃથા તે કરે. ૩
માયા તો અદ્દભૂત છે હરિતણી, થાએ નહીં માપ રે,
પિડા કારણ શું હશે જગતમાં, શોધ્યા તણું પાપ રે;
માટે વિનતિ હું કરું કરગરી, પ્રીતે શુણી રાખજે,
પાપો ઘોર કીધાં જ મેં સરવદા, બાળી સહુ નાંખજે. ૪

એ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેને ચિતાની આસપાસ ત્રણ પ્રદક્ષિણા ફેરવી. ફરતી વખતે તેણે તેના અંગ ઉપરથી તમામ ઘરેણાં કાઢી નાંખી બ્રાહ્મણોને વહેંચી આપ્યાં, અને ત્રીજી પ્રદક્ષિણા ફરતી વખતે તેનું ચિત્ત આ દુનિયા ઉપરથી એટલું તો ઉઠી ગયું કે તેની આંખ આંધળી જેવી થઈ ગઈ અને તેણે ઠોકર ખાધી. તે વખતે તેના ગોરે તેનો હાથ પકડ્યો પડવાથી લોકોમાં નામોશી થશે એવા વિચારથી જાગૃત થઈ તેણે હાથ ઝટકી નાંખ્યો, અને લોકોની સામું મ્હોં ફેરવીને ઉભી રહી, તેને જોઈ લોકો સ્તબ્ધ થઈ ઉભા રહ્યા. શરદ મહીનાના બે પહોર દહાડાનો આકરો તડકો પડતો હતો, ભીડથી તથા તાપથી લોકોનાં મ્હોં ઉપર પરસેવાના રેલા ચાલતા હતા, લોકો એવા તો ચુપ હતા કે ત્યાં એક પૈસો પડે તો તેનો પણ અવાજ સંભળાય, પવન એટલો તો બંધ હતો કે ઝાડ ઉપરનું એક પણ પાતરૂં હાલતું નહતું, અને સરસ્વતીનું પાણી તળાવના જેવું નિર્મળ તથા સ્થિર રહેલું હતું. સ્વદેહરક્ષણ એ સૃષ્ટિનો એક નિયમ છે, ધન, માલ, સ્ત્રી, છોકરાં ઈત્યાદિ જગતમાં જે વહાલામાં વહાલું હોય તેને અર્પણ કરી સ્વદેહનું રક્ષણ કરવાની સઘળામાં પ્રેરણા મુકી છે, તે નિયમ, તે પ્રેરણા તોડવાને એક માણસ ધર્મના જુસ્સામાં આવીને, ધર્મશાસ્ત્ર ઉપર ભરોસો રાખીને, અને વગર જોયલી અને વગર અનુભવેલી વાતો ઉપર વિશ્વાસ રાખીને, પોતાનો દેહ પોતાની રાજીખુશીથી, અક્કલ હોશીયારીથી અર્પણ કરવાને તૈયાર થયલું જોઈને જાણે આખું વિશ્વ વિસ્મિત થઈ તમાશો જેવાને સ્થિર ઉભું હોય એમ લાગતું હતું.