પૃષ્ઠ:Karanghelo.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૫૪ )


પણ સતી મા તેના સ્વામીને મળવાને આતુર થઈ રહ્યાં હતાં. તે મઢુલીનું એક પાસું ઉઘાડીને તેમાં પેઠાં, પોતાના ધણીનું માથું ખોળામાં મુક્યું, અને બ્રાહ્મણને ઈશારત કીધી. બ્રાહ્મણોએ તે ઉપર પુષ્કળ ઘી રેડ્યું, અને મશાલવડે ઘાસકાંટાને સળગાવી મુકયા, તાપનું એકદમ મોટું ભડકું થયું. મઢુલીનું મથાળું કડકડ થઈને તુટી પડયું. બાજુ તરફના પ્રજવલિત પદાર્થો વચ્ચોવચ પડ્યા. રણશિંગડાં, તુરાઈ ભુંગળ, ઢોલ, નોબત, શરણાઈ, ઝાંઝ, થાળી વગેરે વાજીંત્રોનો એવો મોટે અવાજ થઈ રહ્યો કે લોકોને પોતાના કાન હાથે બંધ કરવા પડ્યા, અને અવાજના આચકાથી આભ તુટી પડશે એવું લાગ્યું, એ બધાની સાથે લોકો પણ જેમ પડાય તેમ જોરથી “અંબે,” “જે અંબે,” “ અંબે માતની જે,” એવી ચીસ પાડવા લાગ્યા તે વખતે જે ભયાનક તથા રાક્ષસી દેખાવ થઈ રહ્યો તેનું બયાન જ થઈ શકે નહી, ગુણસુંદરીનું સુંદર શરીર લાકડાંની કમઠાળો નીચે છુંદાઈ ગયું, અને એક પણ મરતી વખતની ચીસ પડ્યા સિવાય તેના તથા તેના સ્વામીના આત્માનાં મૃત્તિકા-ગૃહો આસુની મારફતે પંચમહાભૂતમાં મળી ગયાં, અને તે દેહરૂપી ઘરમાં વસતા તેમના આત્મા જે જે બક્ષિશો લઈ આ દુનિયામાં આવ્યા હતા તેનો ઉપયોગ શી રીતે કીશો તેના હિસાબ આપવાને રાજાઓના રાજાની હજુર રજુ થયા.

લોકો સઘળા ઉદાસ થઈને તથા દુનિયા તરફની વૃત્તિ ઉઠાવી પોતપોતાના ઘર તરફ વળ્યા. માત્ર એક રજપૂત ત્યાં ઉભો રહ્યો, તેની કલ્પનાશક્તિ આ સઘળા બનાવથી એવી તો તીવ્ર થઈ ગઈ હતી કે તેણે સતીની મરતી વખતની ચીસ સાંભળી એમ તેના મનમાં ભ્રાન્તિ પૈઠી, એ કેવા અપશકુન ? હવે શી અવસ્થા થશે ? હવે હું શું કરું ? એવા વિચારમાં ને વિચારમાં તે ડુબી ગયો, અને અસહ્ય દુઃખ થવાથી એક પથ્થર ઉપર બેસી નાના છોકરાની પેઠે તે રડવા લાગ્યો.

જેના મનમાં પાપ તેને કદી સુખ થતું નથી. દુનિયામાં જે જે બનાવો બને છે તેથી તેને નુકસાન પહોંચશે એવી તેને હમેશાં ધાસ્તી રહે છે. એક કાંકરો પડે તો તે જાણે છે કે એક પહાડ તેના ઉપર