પૃષ્ઠ:Karanghelo.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬૩ )

પણ તે તેનું રાજ મુકીને નાસી જશે - એ શિવાય બીજો કાંઈ અર્થ દેખાતો નથી, માતાજીએ વેર લેવાનો રસ્તો બતાવ્યો તો ખરો, માટે હવે દિલ્હી જવું અને ગુજરાત ઉપર ચઢાઈ કરવાને ત્યાંના સુલતાનને વિનંતિ કરવી, એવી રીતે તેનો ખુલાસો થયો, તેથી તે ઘણો આનંદ પામીને માતાજીને પગે પડ્યો. પછી ફુલના હાર, નાળીએર, પૈસા, તથા ઘરેણાં માતાજીને ચઢાવ્યાં. વળી તેણે વસ્ત્ર નિશાન, સોના રૂપાનાં વાસણ, ઘંટ, અને માતાની પૂજાનો બીજો કેટલોએક જરૂરી સામાન અર્પણ કીધો. રાત્રે માતાને થાળ મોકલી તેમાં બકરાં, મુરઘાં, ઈત્યાદિ માતાને બળીદાન આપી શકાય એવાં પ્રાણીઓનું માંસ તથા મદિરા મુકેલાં હતાં, માધવ જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ખાવામાં અથવા બીજા કોઈ પણ કામમાં તેણે તેલ વાપર્યું નહી. સઘળે ઠેકાણે તેણે ઘીનો જ ઉપયોગ કર્યા કીધો. માતાજીને માધવે ઘણી કિમતી બાધા ચઢાવી તેથી રાત્રે તેને ચમર કરવા દીધી, તેના બદલામાં વળી તેણે સિદ્ધપુરના ત્રણ ઔદિચ બ્રાહ્મણો ત્યાંના પૂજારી હતા, અને જેઓએ તે કામ દાંતાના રાણાને કેટલાએક પૈસા આપવા કબુલ કરી ઈજારે રાખ્યું હતું, તેઓને કાંઈ આપ્યું. તેઓએ તેને પહેલાં દર્શન કરતી વખતે ચાંલ્લો કીધો હતો.

બીજે દહાડે તેણે તેઓને તથા બીજા બ્રાહ્મણોને સારી પેઠે મિષ્ટાન્ન લેવડાવી તૃપ્ત કીધા, અને યથાયોગ્ય દક્ષિણા આપી જાત્રા પુરી થઈ તેની નિશાનીને કંકુને હાથો તેના ખભા ઉપર દેવડાવ્યો. હવે બીજું કાંઈ કામ રહ્યું નહી, તેથી પાસે માનસરોવરના કાંઠા ઉપર અપરાજીત માતાનું દહેરૂં છે ત્યાં તે દર્શન કરવા ગયા. ત્યાંથી આવ્યા પછી અંબા ભવાનીના દેવસ્થાનની પશ્ચિમે આશરે એક કોશ ઉપર એક પહાડ હતો તે ઉપર ગબરગઢ નામનો કિલ્લો તે વખતે હતો તે જોવાને તેઓને વિચાર થયો. તે પહાડ આગળ નાના નાના ટેકરા એવી રીતે આવી રહેલા હતા કે જે કોઈ તેને આઘેથી જોય તો ત્યાં એક મોટો કમાનદાર દરવાજો હોય એમ લાગે. તે ઉપરથી એવી કથા ચાલે છે કે અંબામાતા તે પહાડના પોલાણમાં રહે છે. જ્યારે માધવે