પૃષ્ઠ:Karanghelo.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬૬ )

રમણિક હતો. એક નાના નાળાની કોરે કોરે તેઓ ચાલ્યા. આકાશમાં એક પણ વાદળું નહતું. અમરાઈમાંથી કોયલો ટઉકો કરતી હતી. જગલનાં બીજાં પક્ષી વાંસની ઝાડીમાંથી સાદ કરતાં હતાં; અને તિતરનાં ટોળેટોળાં ઝાડ ઉપર બેસીને હોલાઓની સાથે આનંદથી સંવાદ ચલાવતાં હતાં. લક્કડખોદ ઝાડનાં થડ ઉપર તેઓની કઠણ ચાંચ ઠોકતી હતી તેના અવાજથી આખું વન ગાજી રહ્યું હતું. ત્યાં નાના પ્રકારનાં સુંદર ફુલ તથા સ્વાદિષ્ટ મેવા નજરે પડતાં હતાં. ઝાડ ઉપર ચઢતી વેલનાં ધોળાં તથા પીળાં ફુલોમાંથી મધમાખીઓ મધ કાઢતી હતી. ત્યાં કોઈ માણસની વસ્તી નહતી. કોઈ કોઈ વાર કોઈ રજપૂત સવાર ઢાલ બાંધીને તથા ભાલો હાથમાં રાખીને અંબાજીનાં દર્શન કરવા જતો હોય તે જોવામાં આવતો; અથવા કોઈ તળાવની પાસે વણજારાઓ ગુણ નાંખીને બળદ છુટા મુકીને પડેલા હતા તે નજરે આવતા હતા. આગળ ચાલતાં એક સપાટ ખીણ આવી તે રેતાળ હતી, પણ તેમાં ઠેકાણે ઠેકાણે ખેડાણ હતું. વળી રસ્તામાં અનાજનાં ખેતર આવતાં, અને વખતે વખતે નાનાં ગામો દેખાતાં, અને આઘેના પહાડમાંથી નીકળેલી નદીઓ વહેતી નજરે પડતી હતી. ત્યાંથી ધુમસે ઘેરાયલો આબુ પહાડ દેખાયો, તેની બાજુએ ઉપર ઝાડ તથા ઝાડી અને નાની નદીઓ દેખાવા માંડી. આગળ જતાં એક ટેકરી ઉપર દોરા જેવો રસ્તો દેખાયો, તે કોઇ ઠેકાણે ચઢતો અને કોઇ ઠેકાણે ઉતરતો હતો. એ રસ્તા ઉપર ઝાડીની ઘટા આવી રહી હતી. તેમાં ચઢતાં ચઢતાં એક કરાડાની નીચે એક મેદાન આવ્યું; ત્યાં ઘણાં શોભાયમાન ઝાડોની વચ્ચોવચ વશિષ્ઠ મુનિનું દહેરૂં હતું; તે દહેરાંની વાડીમાં માધવ તથા મોતીશા થાક ખાવાને ઉતર્યા. એ વાડીમાં ઘણાં સુગંધીદાર ફુલો ઉગેલાં હતાં, તેમાં કેવડાથી તમામ જગા બહેંક બહેંક થઇ રહી હતી. વળી ત્યાં એક પથ્થરના ખડકમાં ગાયનું મ્હોં કોતરેલું હતું, તેમાંથી પાણીને ધોધવો પડી નીચે એક મોટી ટાંકલીમાં પડતો. તેથી કર્ણેન્દ્રિયને પણ ઘણો આનંદ થતો હતો.

મુનિનું દહેરૂં નાનું હતું તેમાં વશિષ્ઠ જેણે અચલેશ્વરના અગ્નિકુંડમાંથી રજપૂતના મૂળ પુરૂષોને કાઢ્યા તે મુનિની કાળા પથ્થરની