પૃષ્ઠ:Karanghelo.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૦ )

હરેક સાચા મુસલમાનોને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. માટે જે મુસલમાનોએ હિંદુઓના દેવનું અપમાન કીધું, તથા કાફરોને ડાંગવતી માર્યા તેમાં તેઓએ ખોટું કીધું નથી. તેઓને કરવું પડ્યું તે પાદશાહના અધર્મી કામને લીધે કરવું પડ્યું. માટે જે મુસલમાન લડાઈમાં માર્યા ગયા તેનું પાપ પાદશાહને શીર છે, કાફર હિંદુઓ મુઆ તેમાં તો ઘણી ફિકર હોય જ શેની? તેઓ દુનિયામાં કાંઈ કામના નથી. તેઓ આખર તો દોઝખમાં જવાના જ હતા, ત્યારે જરા વહેલા ગયા, અને પાપ કરતા ઓછા થયા, મુસલમાનોને હિંદુઓએ માર્યા એ તેઓએ મોટામાં મોટો ગુન્હો કીધો, અને તેથી તેઓને મોટી સજા કરવી જોઈએ, એવો વિચાર કરી ફક્રુદ્દીન ન્યાયાધીશ બોલ્યોઃ– “લડાઈ ઉઠાવનાર મુસલમાન લોકો હતા એ વાત ખરી છે, પણ જેઓએ એ પ્રમાણે કીધું તેઓ આ પકડી લાવેલા મુસલમાન છે, એમ માલમ પડતું નથી, માટે તેઓ નિરપરાધી છે. જે હિંદુઓ આ ઠેકાણે ઉભેલા છે તેઓ મારામારીમાં સામેલ હતા, અને તેઓને લીધે આટલા બધા મુસલમાન લોકો માર્યા ગયા, માટે તેની સજા એટલીજ કે “જે દહેરા આગળ લડાઈ થઈ તે દહેરા આગળ તમને પચીસ હિંદુઓને ભોંયમાં અર્ધા દાટવા અને તમામ મુસલમાનોએ ઈંટ, પથ્થર, બેદાં વગેરેનો તમારા ઉપર માર ચલાવવો, એટલે સુધી કે તે મારથી તમારો પ્રાણ જાય, ”આ હુકમથી અદાલતમાં જેઓ બેઠેલા હતા તેઓના મન ઉપર તેઓની જાત પ્રમાણે જુદી જુદી અસર થઈ, જેઓ મુસલમાન હતા તેઓ આ હુકમ સાંભળીને ઘણા જ ખુશ થયા, અને કાફરોએ પાક દીનવાળાઓ ઉપર હાથ ઉપાડ્યો તેને માટે જેવી સજા તેઓને ઘટતી હતી તેવી જ તેઓને મળી એમ જાણી ન્યાયાધીશની વિચારશક્તિ તથા નિષ્પક્ષપાતપણાની બેહદ તારીફ કરવા લાગ્યા. એથી ઉલટું જેઓ હિંદુ હતા તેઓ આ સજા સાંભળીને ઘણા જ દિલગીર થયા, અને આજે એમને અને કાલે આપણને એમ સમજી તેઓ ઘણા ત્રાસ પામ્યા. કેદીઓ ન્યાયાધીશનો આ ગેરવાજબી, દુષ્ટ તથા પક્ષપાત ભરેલો હુકમ સાંભળીને જડભરત જેવા થોડીવાર થઈ ગયા, અને