પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સંઘ એકઠો થાય તેને ઉપવસથાગાર (પાલી ઉપોસથાગાર) કહે છે. ચૌદશ અને પૂર્ણિમાને દિવસે એ સ્થાનની વ્યવસ્થા કરવાનું કામ ભિક્ષુ અને ભિક્ષુણીઓને માથે વારાફરતી આવતું. એ દિવસે ‘પ્રતિમોક્ષ’ ગ્રંથનો પાઠ થતો. ભિક્ષુક અને ભિક્ષુકોએ કેવા નિયમથી રહેવું જોઈએ અને કેવી આપત્તિઓથી બચવું જોઈએ, એ સંબંધી ઉપદેશ એ ગ્રંથમાં આપેલો છે. કોઈ ભિક્ષુ કે ભિક્ષુણીએ એમાંનો કોઈ નિયમ તોડ્યો હોય તો એ મેળાવડામાં સંઘસ્થવિર તેને ઊભો કરીને અપરાધ કબૂલ કરાવતો અને એને માટે સંઘ જે સજા ઠરાવે તે ભોગવાવતો.

ઉત્પલવર્ણા ઉપોસથાને દિવસે ‘પ્રતિમોક્ષ’ સાંભળવાને ઘણી આતુર રહેતી અને ઉપોસથશાળાને વાળીઝૂડીને સાફ કરતી તથા દીવો વગેરે લાવીને મૂકતી. એ દીવાની જ્યોત પાસે બેસીને એ ધ્યાન ધરતી. એ પ્રમાણે ધ્યાન ધરીને તેજના વિસ્તૃત સ્વરૂપને પોતાના હૃદયમાં ઉતારીને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી, સમાધિદશાનો અભ્યાસ કર્યા પછી એણે પ્રજ્ઞા સંપાદન કરી અને પછી અર્હંત્‌પદનો સાક્ષાત્કાર કર્યો. અર્હંત્‌પદનું ફળ પ્રાપ્ત થયા પછી તેને ઋદ્ધિસિદ્ધિ મળી ગઈ અને ચમત્કાર કરવામાં એ પારંગત થઇ ગઈ.

એક દિવસ ભગવાન ગૌતમબુદ્ધે ‘યમ કપાટિ હારિય’નામનો ચમત્કાર કર્યો. બેવડો ચમત્કાર અર્થાત્ ભિન્ન સ્વભાવવાળી બે વસ્તુઓને એક જ સમયે એકઠી બતાવવી તેનું નામ ‘યમ કપાટિ હારિય’ ચમત્કાર છે. જે દિવસે બુદ્ધદેવે એ ચમત્કાર કર્યો તેજ દિવસે ભિક્ષુણી ઉત્પલવર્ણાએ પણ સિંહનાદ કર્યો કે, “ગુરુદેવ ! આપના પછી હું પણ એક ચમત્કાર કરી બતાવીશ” અને પોતાના એ કથનને સિદ્ધ પણ કરી બતાવ્યું.

ત્યાર પછી એક દિવસ શાસ્તા–બુદ્ધદેવ જેતવનમાં સંઘની સામે બેસીને ભિક્ષુણીઓને એમની યોગ્યતા પ્રમાણે જુદા જુદા સ્થાનમાં ગોઠવવા લાગ્યા. તે સમયે ઉત્પલવર્ણાનો વારો આવતાં બુદ્ધદેવે તેના એ સિંહનાદનો ઉલ્લેખ કરીને તેને માટે ઋદ્ધિમતી ભિક્ષુણીના શ્રેષ્ઠ પદની યોજના કરી. આ પ્રમાણે ઉત્પલવર્ણાની અનેક જન્મની ઈચ્છા પરિપૂર્ણ થઈ.

થેરી ગાથામાં એની રચના છે. ઇંદ્ધિયોને વશ થઈ