પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

२५–मंडपदायिका

બુદ્ધસેવિકા ભગિનીનું નામ જન્મસમયે શું હતું તે જાણ્યામાં નથી આવ્યું. ‘અપદાન’માં તેનું નામ મંડપદાયિકા લખવામાં આવ્યું છે. દીક્ષા લીધા પછી અર્થાત્ ‘ઉપસંપદા’ મેળવ્યા પછી તેનું એ નામ પાડવામાં આવ્યું હોય એમ લાગે છે. વૈશાલી નગરીમાં એક ધનવાન ઉમરાવના કુટુંબમાં તેનો જન્મ થયો હતો. તેનો બાંધો ઘણો હૃષ્ટપુષ્ટ હતો. તેનો વિવાહ એક નવયુવક ઉમરાવ સાથે થઈ ગયો અને એ ઘણા પ્રેમપૂર્વક પતિની સેવા કરવા લાગી. એક દિવસ બુદ્ધ ભગવાન વૈશાલી નગરીમાં પધાર્યા ત્યારે તેમના મધુર ઉપદેશના શ્રવણથી બૌદ્ધધર્મ ઉપર તેની શ્રદ્ધા બેઠી અને એ બુદ્ધદેવની શિષ્યા બની; પરંતુ એ સમયે તે ગૃહસ્થાશ્રમધર્મનું યથાવિધિ પાલન કરતી હતી. એક દિવસ મહાપ્રજાપતિ ગૌતમીનું ત્યાં આગળ પધારવું થયું અને તેમણે ત્યાંની સ્ત્રીઓને ધર્મોપદેશ આપ્યો. એ દિવસે સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા એના મનમાં પ્રબળ થઈ પડી. તેણે પોતાના સ્વામી આગળ એ ઈચ્છા પ્રકટ કરી, પરંતુ તેણે પોતાની સંમતિ આપી નહિ. એથી એ પતિવ્રતા સ્ત્રી પોતાનાં સાંસારિક કર્મો કરતી ગઈ અને સાથે સાથેજ ધર્મના રહસ્યનું પણ એકાગ્રચિત્તે ચિંત્વન કરતી ગઈ. એક દિવસ એવું બન્યું કે એ સન્નારી રસોડામાં રસોઈ કરી રહી હતી, એટલામાં એક મોટો ભડકો થયો અને એ તાપથી વાસણ એક મોટા કડાકા સાથે ફાટી ગયું. ભોજન બધું બળીને રાખ થઈ ગયું. આ નજીવા બનાવથી પૃથ્વીમાંની સર્વ વસ્તુઓનું ક્ષણભંગુરપણું તેના સમજવામાં આવ્યું. એ દિવસથી એના ચિત્તમાં ખરો વૈરાગ્ય ઉપન્ન થયો. તેણે સુંદર વસ્ત્રાભૂષણ અને રત્નાલંકારો પહેરવાનું છોડી દીધું. તેના પતિએ એમ