પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



२७–तिष्या (तिस्सा)

નો જન્મ કપિલવસ્તુમાં શાક્ય વંશમાં થયો હતો. રાજકુટુંબની મહિલાઓની એ બહેનપણી હતી. એમની સાથે સુખવૈભવમાં એનો સમય વ્યતીત થયો હતો. મહાપ્રજાપતિ ગોતમીએ જ્યારે રાંસાર ત્યજીને ભિક્ષુણીવ્રત લીધું ત્યારે તિષ્યા પણ એમની સાથે ભિક્ષુણી બની. ત્રણ નક્ષત્ર યુક્ત તિષ્યા અથવા પુષ્ય નક્ષત્ર ઉપરથી એનું નામ પડ્યું છે. સંસારત્યાગ કર્યા પછી એણે તત્ત્વચિંત્વનમાંજ જીવન વ્યતીત કર્યું હતું અને અંતર્મુખી વૃત્તિ રાખી હતી. ભગવાન બુદ્ધદેવે એને દર્શન આપીને જે બોધ આપ્યો હતો તે એણે પોતાની ગાથામાં ગૂંથ્યો છે.

“હે તિસ્સે ! શિક્ષણદ્વારા તું પોતાને શિક્ષિત બનાવ. તું યોગને અર્થાત્‌ શુભ ક્ષણને ફોગટ જવા દઈશ નહિ. સર્વ યોગમાંથી અર્થાત્ બંધનામાં છુટી થઈને આ લોકમાં અથવા પૃથ્વીમાં અનાસવા એટલે કે પાપશૂન્ય થઈને વિચરણ કર.”

२८–संघा

ની કથા શેરી ધીરાને મળતી છે અર્થાત્‌ બુદ્ધદેવના ઉપદેશથી તેને જ્ઞાન અને વૈરાગ્ય ઊપજ્યાં હતાં અને ધર્મનું ચિંત્વન કરતાં આખરે અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું હતું. એણે રચેલી ગાથામાં એ પોતાના ત્યાગનું વર્ણન નીચેના શબ્દોમાં કરે છે:—

“તજ્યું છે ગૃહ, પુત્ર પશુ આદિ સંપદ,
તજ્યાં છે વળી રાગદ્વેષ, અવિદ્યા વિપદ;
કર્યો છે સમૂળ નાશ જીવનની સમસ્ત તૃષ્ણાઓનો,
મેળવી છે શાંતિ આજે નિર્વાણમાં.”