પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



એ સ્થિતિમાં વિશાખ એક દિવસ બુદ્ધદેવની મધુર વાણી સાંભળીને ઘેર આવ્યો. પ્રેમમૂર્તિ ધર્મદિન્ના પતિના આવવાની વાટ જોતી દાદરમાં સામી મળી, પણ આજે વિશાખે તેને પ્રેમપૂર્વક બોલાવી નહિ. દરરોજના નિયમનો આજ ભંગ થતાં તેણે કોમળ સ્વરે પતિને પૂછ્યું: “વહાલા ! આજે તમે મારી સાથે વાતચીત કેમ ન કરી ? આજ મને આલિંગન કેમ ન આપ્યું ? શું આજ મારાથી કાંઈ અપરાધ થચો છે ?”

વિશાખે ઉત્તર આપ્યો: “દેવિ ! તારો કાંઈ અપરાધ થયો નથી; પરંતુ આજથી હું સ્ત્રીને સ્પર્શ કરવાને તથા સ્વાદિષ્ટ ભોજન કરવાને યોગ્ય રહ્યો નથી. જે નવા આશ્રમમાં મેં પ્રવેશ કર્યો છે, તેમાં એ બધા ભોગવિલાસનો નિષેધ છે. તને યોગ્ય લાગે તે પ્રમાણે કર. આ ઘરમાં રહેવું હોય તો એ તારૂં છે, ખુશીથી રહે. પિતાને ઘેર જવાની ઈચ્છા હોય તો મારી ના નથી. જેટલું દ્રવ્ય તથા દાગીના લઈ જવા હોય તેટલા લઈ જા.” ધર્મદિન્નાની સહનશીલતાની હદ આવી રહી. જે પતિની જિંદગીપર્યંત સેવા કરી રહી હતી, જેના પ્રેમમાં એ ગાંડીઘેલી બનીને આ લોક અને પરલોકને પણ વીસરી ગઈ હતી તે આજે આવા શબ્દો કાઢે ! તેણે વિનયપૂર્વક કહ્યું: “વહાલા ! મારાથી એ બેમાંથી એક પણ માર્ગ ગ્રહણ થવાનો નથી. મને ધન, ૨ત્ન તથા વૈભવનો મોહ નથી. આપની પાછળ એ બધું હતું. આપ મારો ત્યાગ કરીને સાધુ બનવા તૈયાર થયા છો, તો હું પિયેરમાં જઈને વૈભવ ભોગવું એ અસંભવિત છે. આપ મને પણ પરવાનગી આપો. હું પણ સંસારનો ત્યાગ કરીને બુદ્ધદેવનું શરણ લઈશ અને ધર્મમાર્ગની પ્રવાસી બનીશ.”

વિશાખે કહ્યું: “તારી ઇચ્છા વ્યાજબી છે. હું પ્રસન્ન ચિત્તે તને ભિક્ષુણી બનવાની રજા આપું છું.” એ પ્રમાણે કહીને સુવર્ણના મ્યાનામાં બેસાડીને તેણે ધર્મદિન્નાને ભિક્ષણીઓના મઠમાં મોકલી, ત્યાં આગળ તેણે દીક્ષા લીધી. ત્યાં રહ્યા છતાં પણ એને પતિપ્રેમ અને પતિસુખમાં ગાળેલા આનંદમય દિવસોનું સમરણ થઈ આવતું. એ સ્મરણો પોતાના નવા આશ્રમને નહિ છાજે અને આધ્યાત્મિક ઉન્નતિની આડે આવશે એમ ધારી એણે પોતાની ઉપદેશિકા તથા બીજી થેરીઓને કહ્યું: “બહેનો ! આવી ભીડવાળી જગ્યામાં રહેવાથી મારા આત્માને શાંતિ મળતી નથી. મને એકાંતવાસ ઘણો પ્રિય છે; માટે આપ રજા આપો તો હું કોઈ નાના