પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४४–सामा (श्यामा)

કૌશામ્બી નગરીમાં એક ધનવાન ગૃહસ્થના ઘરમાં એનો જન્મ થયો હતો. કૌશામ્બીના રાજાની રાણી સામાવતી તેની અત્યંત પ્રિય સખી હતી. રાણીના મૃત્યુથી સામાને ઘણોજ શોક થયો અને સંસાર ઉપરથી વૈરાગ્ય ઊપજવાને લીધે એણે થેરીપદનો સ્વીકાર કર્યો, પરંતુ સાધ્વી થવા છતાં પણ તે શોકને સમાવી શકી નહિ અને મોહનું નિવારણ થયા વગર આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી. એક દિવસ બુદ્ધ ભગવાનના મુખ્ય શિષ્ય આનંદનો ધર્મોપદેશ સાંભળ્યાથી તેનો મોહ નિવૃત્ત થયો અને તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. તૃષ્ણા, દુઃખજ્વાળા અને જીવનની ચંચળતા ચાલી ગયાથી સામાએ દુર્લભ અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું. તેણે પોતાનો એ અનુભવ સ્વરચિત ગાથામાં વર્ણવ્યો છે.

४५–उत्तमा (पहेली)

શ્રાવસ્તી નગરીમાં એક ખજાનચીની કન્યા તરીકે તેનો જન્મ થયો હતો. પુખ્ત વયની થતાંવાર પટાચારા નામની વિદુષી થેરીનો ઉપદેશ સાંભળ્યાથી એ પણ સંસારનો ત્યાગ કરીને થેરી બની ગઈ હતી અને આખરે અર્હત્‌પદને પામી હતી. પોતાનો એ અનુભવ જણાવતાં એ ગાથામાં કહે છે કે, “શાંતિની શોધમાં હું ચાર પાંચ વિહાર છોડી દઈને અરણ્યમાં ચાલી ગઈ,પણ એથી મારા ચંચળ ચિત્તને શાંતિ વળી નહિ. આખરે ‘આ જીવન તદ્દન અસાર છે’ એવો જેનો ઉપદેશ છે એવી એક ભિક્ષુણીનાં મને દર્શન થયાં. સાત દિવસ સુધી એક આસને હું ધ્યાન ધરીને બેઠી અને અપાર સાધના સાધી. આઠમે દિવસે મારો અંધકાર દૂર થઈ ગયો, પ્રકાશ પ્રકટી નીકળ્યો અને મેં મુક્તિ મેળવી.”