પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५९–नंदुत्तरा

બુદ્ધભગવાનના સમયમાં કુરુ રાજ્યમાં કમ્મા સદમ્મ નગરમાં એક બ્રાહ્મણ કુટુંબમાં તેનો જન્મ થયો હતો. ઘણું સારૂં શિક્ષણ મેળવ્યા પછી તેણે જૈનોના સંઘમાં પ્રવેશ કર્યો હતો. તેનામાં વ્યાખ્યાન આપવાની શક્તિ ઘણી સારી હતી. જૈનધર્મનો પ્રચાર કરવા સારૂ તેણે ભારતવર્ષના ઘણાખરા નગરોમાં ભ્રમણ કર્યું હતું. એક વખત પ્રસિદ્ધ બૌદ્ધ ધર્મોપદેશક મહા મોગ્ગલ્લાનની સાથે તેનો મેળાપ થયો. બંનેની વચ્ચે ધર્મશાસ્ત્ર સંબંધી ચર્ચા થઈ. શાસ્ત્રાર્થમાં નંદુત્તરાનો પરાજય થયો અને મહા મોગ્ગલ્લાનની સલાહથી તેણે બૌદ્ધધર્મની દીક્ષા લીધી. બૌદ્ધધર્મના એક ઉત્તમ અભ્યાસી સાથે શાસ્ત્રાર્થમાં ઊતરનાર સ્ત્રીમાં તત્વજ્ઞાન કેટલું બધું હશે, તેની કલ્પના થઈ શકે એમ છે. થેરીગાથામાં ૮૭ થી ૯૫ સુધીની ગાથાઓ તેની રચેલી છે, જેનો સારાંશ આ પ્રમાણે છે:—

પૂજતી—અગ્નિ, ચંદ્ર, સૂર્ય આદિ સર્વ દેવતાને.
જતી—નદી–તીર્થમાં નિયમિત રીતે સ્નાન કરવા.
પાળતી—કેટલાંએ વ્રત અર્ધા શિર ઉપર લેપ કરીને.
રચતી—ભૂમિશય્યા આખી રાત આહાર તજીને.
સજતી—સ્નાન કરીને વિલેપન કરીને સુંદર પોશાક.
પ્રાપ્ત કર્યો—આખરે ધર્મ, ગૃહ તજીને વિચરૂં છું બધે.
સમજી—કે આ દેહનું મૂલ્ય કાંઈ નથી, કામનાઓ ચાલી ગઈ.
સાધ્યો—ભવક્ષય; ઉખેડીને ઇચ્છાઓ અને વાંચ્છનાઓ.
છોડી દીધી—સર્વ બાધાઓ, ચિત્ત શાંત છે. સાધના સફળ છે.