પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
સુજાતા થેરી


સકુલાએ પણ ખંતથી એ સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલું જ નહિ પણ એ સિદ્ધિ ધરાવતી ભિક્ષુણીઓમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું.

થેરીગાથામાં એની રચના છે. આત્મચરિત વર્ણવતાં એ કહે છે કે, “ગૃહસ્થાશ્રમમાં ગૃહિણી તરીકે રહેતી હતી તે સમયે મેં એક ભિક્ષુ પાસે ધર્મની કથા સાંભળી. અચ્યુત નિર્વાણપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા મારા હૃદયમાં ઉત્પન્ન થઈ. ધનધાન્ય, પુત્રપુત્રીનો ત્યાગ કરીને, કેશલુંચન કરીને મેં પ્રવજ્યા લીધી. મેં વિચાર્યું કે આ સંસારમાં હવે મારો વાસ નથી. શિક્ષણદ્વારા મારે ઉચ્ચ માર્ગે ગમન કરવાનું છે. રોગ–દોષને મેં ત્યજ્યા અને સર્વ પ્રકારના આસવનું દમન કર્યું. પૂર્વજન્મનું સ્મરણ થયું. મારાં દિવ્યચક્ષુ ઊઘડ્યાં. એ બધું વિશુદ્ધ વિચાર અને સાધનાનું પરિણામ હતું. મનુષ્યનું સમગ્ર જીવન સંસ્કારોનો સંગ્રહ છે. એ સંસ્કારની પાર જઈને મેં મનુષ્યના કર્મ અને બંધનનો હેતુ ખોળ્યો. હવે સર્વ પ્રકારનાં બંધનોને તોડી નાખીને, પાપનો ત્યાગ કરીને શાંત મને મેં નિર્વાણનો પુલ ઓળંગ્યો છે.”

६१–सुजाता थेरी

નો જન્મ સાકેત નગરમાં એક વણિક કુટુંબમાં થયો પણ હતો. એનો પિતા રાજ્યનો કોષાધ્યક્ષ અને ઘણો ધનવાન હતો. મોટી વયની થયા પછી તેના પિતાએ પોતાનાજ જેવા એક કુળવાન કુટુંબના યુવક સાથે તેનું લગ્ન કર્યું હતું. તેમનો ગૃહસંસાર ઘણા સુખમાં ચાલતો હતો. એક દિવસ એ સુંદર વસ્ત્રાલંકાર પહેરીને, અંગ ઉપર ચંદનનો લેપ કરીને તથા દાસીઓને સાથે લઈને અંજન વનમાં ચિત્તવિનોદ કરવા સારૂ ગઈ હતી, ત્યાં આગળ અનેક પ્રકારની મનોરંજક રમત રમીને એ પાછી આવતી હતી, એ વખતે બુદ્ધદેવનાં દર્શન થયાં. બુદ્ધદેવને મુખેથી મુક્તિતત્ત્વ સાંભળ્યાથી તેને સંસા૨ ઉપર વૈરાગ્ય ઊપજ્યો અને સાકેતનગરમાંજ થેરી થઈ.

થેરીગાથામાં ૧૪૫ થી ૧૫૦ સુધીના શ્લોક તેના રચેલા છે.