પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



લોકનાં કે સ્વર્ગલોકનાં સુખ નથી જોઈતાં. ધમનું પાલન કર્યાથી એ વાસનાઓ મારામાંથી ક્યારનીયે મરી ગઈ છે. સળગતા અંગારાની સમાન અને ઝેરના પ્યાલાની સમાન ગણીને મેં વિષયવાસનાઓને સમૂળગી તજી દીધી છે. મારે તારી પાસેથી કાંઈ નથી જોઇતું. જેને મારા જેવું સત્યનું જ્ઞાન ન થયું હોય, જેનો ગુરુ પોતે કોઈ શિખાઉ હોય તેવી સ્ત્રીની આગળ જઈને તું આ બધી લાલચો બતાવજે. મારી આગળ તો તું પરાજિત થયો છે. મારૂં ચિત્ત સાફ છે. સુખદુઃખ કે પ્રેમ કશાની મને પરવા નથી. આ જન્મને હું અશુભ ગણું છું. સંસારના કોઈ સુખમાં મારૂં ચિત્ત ચોટતું નથી. હું બુદ્ધદેવની શ્રાવિકા છું. ધર્મના આઠ અંગમાં મારી ગતિ છે. દુઃખપાપશૂન્ય હું છું. અનાગાર–સુખમાં મારી રતિ છે. મેં સુંદર ચિત્રવિચિત્ર લાકડાંનાં પૂતળાંઓ ઘણાં જોયાં છે. યુક્તિપૂર્વક બાંધેલી દોરી અને ખીલી વડે તેઓ જાતજાતના નાચ રમે છે; પરંતુ એ દોરીઓ અને ખીલીઓ કાઢી લો તો એ પૂતળીઓ ઢીલી પડીને વિખરાઈ જાય છે. એ વખતે એનાં દરેક અંગ જુદાં પડી જાય છે. એવી સ્થિતિમાં એના કયા અંગને લોકો નીરખવાની ઇચ્છા કરે છે ? એજ પ્રમાણ નરદેહ પણ ધર્મ વિના ઢીલો પડી જાય છે. કહો જઈએ, ધર્મશૂન્ય દેહ ટકી શકે ખરો કે ? બધું નિષ્ફળ છે. દીવાલની ઉપર હડતાળથી રંગેલું એક સરસ ચિત્ર હોય અને મનુષ્ય ભૂલમાં એનેજ સાચું સમજી લે, માયાને વશ થઈને સ્વપ્નમાં સુવર્ણનું વૃક્ષ જુએ અને તેને લેવાને લલચાય, એમ હે ! અંધ ! મારામાં આરોપણ કરેલા રૂપ ઉપર મુગ્ધ થઈને તું કેમ નાહક એના પ્રત્યે ધાય છે ? મારી આ આંખ ઉપર તું મુગ્ધ થઈ ગયો છે ? એને તું કમળ વગેરેની ઉપમા આપ છે ? એ વાસ્તવમાં શું છે ? એક પોલા વૃક્ષમાં ગોઠવેલા બે દડા છે. એમાં આંસુરૂપી કેટલાએ પરપોટા ઉત્પન્ન થાય છે. એવી આંખોમાં તો તને શું ગમી ગયું છે ? તેમ છતાં મારાં આ લોચનનીજ તને ઈચ્છા છે ને ? કાંઈ હરકત નહિ, લે, આ આંખ.” એમ કહીને તેણે પોતાની આંગળી વડે પોતાનો ડોળો ખેંચી કાઢીને એ કામી પુરુષના હાથમાં મૂક્યો અને ફરીથી કહ્યું: “હે પુરુષ ! ચક્ષનો તું આદર કરતો હતો તે લે. હવે તો તારી તૃષ્ણાનો નાશ થયો ને ?” તેનું આ સાહસિક કૃત્ય જોઈ, પેલો માણસ ગભરાઈ ગયો અને સાષ્ટાંગ નમસ્કાર કરીને ક્ષમા માગીને કહેવા લાગ્યો: “હવે હું