પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



વારંવાર કહ્યા કરતાં હતાં કે, “આ વહુ અમારા કુળને પવિત્ર અને ઉજ્જ્વળ કરનારી દેવી છે.”

વિવાહ પછી કેટલાંએ વર્ષો સુધી એમનું જીવન આનંદમાં વ્યતીત થયું; પરંતુ એવામાં દૈવવશાત્ એના સસરાનું મૃત્યુ થયું. એમના મરી ગયાથી સાસુને સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો અને દરખટલાનો બધો ભાર વહુ દેવસ્મિતા ઉપર નાખીને પોતે ઈશ્વરભજન કરવા લાગ્યાં. દેવસ્મિતાએ એ ભાર ઘણી ખુશીથી ઉપાડી લીધો. સાંજના પહોરની એ રોજ સાસુને ધર્મપુસ્તકો વાંચી સંભળાવતી હતી. મણિભદ્ર જે આટલા દિવસ બાપના રાજ્યમાં સુખચેનમાં દિવસ ગાળતો હતો, તેને પિતાના મૃત્યુથીજ શોક થયો; કેમકે હવે વેપારની બધી જવાબદારી એને માથે આવી પડી.

મણિભદ્ર ધીરજ ધરીને બાપની જગ્યાએ દુકાને બેઠો. એ પણ વાણિયાનો છોકરો હતો એટલે વેપારમાં ઘણો હોશિયાર હતો. એના મિત્રો વેપાર માટે પરદેશ જવા લાગ્યા ત્યારે એને પણ સાહસ ખેડવાની ઈચ્છા થઈ. દેવસ્મિતાને પતિના વિયોગથી ઘણું દુઃખ થયું પણ એ વેપાર તે પતિનો ધંધો છે અને દેશાવર ખેડ્યા વગર વેપારની પૂરી માહિતી મળતી નથી તથા પુરતો પૈસો પેદા થતો નથી એવું વિચારીને એણે પોતાનો ખેદ હૃદયમાં છુપાવી રાખીને પતિને પ્રસન્નવદને વિદેશ જવાની રજા આપી. છૂટાં પડતી વખતે પતિપત્નીએ પોતપોતાની વીંટીઓ એકબીજાને અદલબદલ કરીને પહેરાવી કે જેથી હમેશાં એમને પરસ્પર પ્રમનું સ્મરણ થયાં કરે.

જે દિવસે મણિભદ્ર પરદેશ ગયો તેજ દિવસથી દેવસ્મિતાએ બધા અલંકારો ઉતારીને પેટીમાં મૂકી દીધા અને સાદાં વસ્ત્ર પહેરીને એ દિવસો ગાળવા લાગી. ઘરના કામકાજથી જ્યારે ફુરસદ મળતી ત્યારે તે સાસુ પાસે જઈને બેસતી અને એમની આગળ ધર્મનાં પુસ્તકો વાંચવામાં વખત ગાળતી.

મણિભદ્ર વહાણમાં બેસીને કટાહ નામના નગરમાં ગયો અને ત્યાં દુકાન કરીને વેપારધંધો ચલાવવા લાગ્યો. ત્યાં એને બેચાર દુરાચારીઓ સાથે દોસ્તી બંધાઈ. બપોરે દુકાનમાંથી ફુરસદ મળતી ત્યારે એ લોકો સાથે બેસીને દારૂ પીતા અને ખરાબ અસભ્ય કામોમાં પોતાનો વખત ગાળતા. એ મિત્રો