પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१–माद्री

માદ્રી રાજા પાંડુની પત્ની અને નકુલસહદેવની માતા માદ્રી નથી; પણ પ્રાચીન કાળની એક બીજીજ સન્નારી છે. એ સમયમાં શિબિ દેશમાં સંજય નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના કુમારનું નામ વેસ્સંતર હતું. રાજકુમાર ઘણો પુણ્યાત્મા અને દાન કરવામાં છૂટા હાથવાળો હતો. તેમના રાજ્યમાં ધોળા હાથી હતા અને એમ મનાતું કે, એ હાથીઓના પ્રતાપે શત્રુઓ એ રાજ્ય ઉપર આક્રમણ કરીને ફાવી શકતા નહોતા. એક દિવસ કલિંગ દેશના આઠ બ્રાહ્મણો આવીને રાજકુમાર પાસેથી માગીને એ ધોળા હાથીઓ દાનમાં લઈ ગયા. પ્રજા, એ વાતની ખબર પડતાં ઘણી ગુસ્સે થઈ. હવે પોતાના રાજ્ય ઉપર અવશ્ય આફત આવશે એ ભય એમને ઉત્પન્ન થયો. પ્રજાજનોએ જઈને રાજા સંજય આગળ પ્રાર્થના કરી. એ વખતના રાજાઓ ઘણાજ ન્યાયી અને નિષ્પક્ષપાતી હતા. મહારાજા સંજયને પ્રજાની ફરિચાદ વ્યાજબી જણાઈ અને તેમણે પુત્રને દેશનિકાલની સજા કરી.

રાજકુમારને જ્યારે પિતા તરફની વનગમનની આજ્ઞાની ખબર પડી ત્યારે તેણે સાત વસ્તુઓના મહાદાનની ક્રિયા કરવા સારૂ એક દિવસની મુદત માંગી. એ આખો દિવસ એણે દાનાલયમાં જઈને અનેક કિંમતી પદાર્થોનું દાન કર્યું અને રાત પડી ત્યારે મનમાં વિચારવા લાગ્યો. “કાલ સવારે મારે આ દેશ છોડીને ચાલ્યા જવું પડશે. ચાલ, હમણાંજ પિતામાતાની પાસે જઈને વિદાય લઈ આવું તથા છેલ્લા પ્રણામ પણ કરી આવું. રાતોરાત જ હું મહેલનો ત્યાગ કરીશ અને મહેલમાં ફરીથી પ્રવેશ નહિ કરું.”

ત્યાર પછી વેસ્સંતર અશ્ચોવાળા રથમાં બેસીને પિતાના મહેલમાં ગયો. તેની રાણી માદ્રી મનમાં ને મનમાં વિચારવા લાગી: “હું પણ ફરીથી આ મહેલમાં પ્રવેશ નહિ કરૂં. હમણાંજ સાસુજી તથા