પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સસરાજીને ભક્તિપૂર્વક પગે લાગી આવીને, તેમની પાસે વિદાય માગીને હું પણ પતિદેવની સાથે સાથે જઈશ.”

એવો વિચાર કરીને રાજપુત્રવધૂ માદ્રી પણ એજ રથમાં પતિની સાથે ચઢી બેઠી. વેસ્સંતરે પિતાની સમીપ જઈને તેમના ચરણમાં પડીને ભક્તિપૂર્વક કહેવા માંડ્યું: “પ્રજાએ મને દેશનિકાલ કર્યો છે. કાલે હું બંક પર્વત તરફ જવા નીકળીશ. પિતાજી ! મનુષ્યમાત્ર લાભ અને નુકસાન, યશ અને અપયશ, નિંદા અને સ્તુતિ, સુખ અને દુઃખ એ આઠ પ્રકારના લોકધર્મને આધીન છે. આ દુનિયામાં જીવમાત્રને કદી સુખ અને કદી દુઃખ ભોગવવું પડ્યું છે, પડે છે અને પડશે. આખી જિંદગી સુધી લાગલાગટ સુખ કોઈ પણ મનુષ્ય કદાપિ ભોગવી શકતો નથી. બધાને મૃત્યુના મુખમાં એક દિવસ સપડાવું પડશે, એમ ધારીને એ બધા દુઃખના વિચારથી ત્રાસ પામીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી મારા મહેલમાંની બધી વસ્તુઓને મેં ખપવાળા લોકોને દાન કરી દીધી છે અને તેમની પ્રાર્થનાનુસાર આ રાજ્યનો પણ ત્યાગ કરવાની મને ફરજ પડી છે. માણસ સંપત્તિ અને વિપત્તિમાંથી કદી પણ સંપૂર્ણરૂપે મુક્ત રહી શકતો નથી, માટે હાલ તો જો કે હું વાઘ, ચિત્તા, રીંછ વગેરે ફાડી ખાનારાં વિકરાળ જાનવરોથી વસાયલા ઘોર ભયાનક જગલોમાં દીનતાથી વાસ કરીશ, તોપણ મારી ખાતરી છે કે, એ અરણ્યવાસમાંજ મારે હાથે કોઈ એવું કાર્ય થશે કે, જેથી મારૂં પ્રયોજન સિદ્ધ થશે, પિતાજી ! આ મોહ અને સુખમાં આપજ નિરાંતે પડ્યા રહો !”

પિતાની સાથે એ પ્રમાણે વાતચીત કરીને વેસ્સંતર માતાની સમીપ ગયો અને માતાને સંબોધન કરીને કહેવા લાગ્યો “મા ! તારા સ્નેહ અને લાડનો બદલે હું કોઈ દિવસ વાળી શકું એમ નથી. મેં મારી પોતાની મિલકત દાન કરી દીધી તેથી પ્રજાજનોને ઘણું લાગી આવ્યું છે. એ પાપને લીધે મને દેશવટો મળ્યો છે, બંક પર્વત ઉપર જઈને ગરીબાઈથી સંન્યાસીરૂપે હું મારું જીવન ગાળીશ. માતા ! મને શુભેચ્છાઓ સહિત વિદાય કરો !”

જનનીએ કહ્યું: “બેટા ! બંક પર્વત ઉપર જઈને તું યતિ બનીને અભિજ્ઞાન અને સમાપત્તિ પ્રાપ્ત કરજે. હું ખુશીથી તને રજા આપું છું, પણ આ મારી કોમળાંગી વધૂએ કદી પણ ટાઢતડકો