પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ફિકર કરશો નહિ.”

મહારાજ સંજયે હવે માદ્રીને ભય બતાવવા માંડ્યો. “બેટા ! મારી વાત ધ્યાન દઈને સાંભળ. અરણ્ય એ આપણા રાજમહેલ જેવું નથી, ત્યાં તો ભમરા, મધમાખ, વીંછી વગેરે ઘણા જીવ છે જેના કરડ્યાથી બહુ વેદના થાય છે, એ ક્લેશ તમારાથી નહિ સહન થાય. વળી ત્યાં માણસને આખો ને આખો ગળી જાય એવા મોટા અજગર રહે છે. વળી ત્યાં કાળા અને મોટા મોટા વાળવાળાં રીંછ રહે છે. એક વાર નજરે પડ્યાં તો પછી ઝાડ ઉપર ચઢી ગયે પણ છૂટકો નથી. વળી ત્યાં એક નદીને કાંઠે સોયની અણી જેવાં તીણાં શીંગડાંવાળા પાડાઓ રહે છે. આટલી બધી આપત્તિઓમાંથી તમે તમારૂં રક્ષણ કેવી રીતે કરશો ? સંતાનનું મુખ જોયા વગર વાછરડું ખોવાઈ ગયું હોય એવી ગાયની પેઠે તમે વલખાં નહિ મારો કે ? દીકરિ ! અહીંયાં મહેલમાં બેઠે બેઠે કોઈ કોઈ વાર શિયાળની ચીસ સાંભળો છો, તો તમને મૂર્છા આવી જાય છે, તો પછી બંક પર્વત ઉપર જવું એ તમારે માટે કેવી રીતે સંભવિત છે ? બપોરે પક્ષીઓ એકઠાં થઈને કલરવ કરે છે, તેનો અરણ્યમાંથી જે પડઘો નીકળે છે તે ઘણોજ ભયાનક હોય છે. જે વનમાં આવા અનેક પ્રકારના ભયનાં કારણો હાજર છે ત્યાં તમે કેવી રીતે રહી શકશો ?”

માદ્રીએ ઉત્તર આપ્યો: “હે દેવ ! હે શિબિરાજ્યના અધીશ્વર ! અરણ્યમાં આપે વર્ણવેલી બધી આફતો હોવા છતાં પણ હું સ્વામીનું અનુગમન કરીશ અને એમ કરવાથી જેટલાં કષ્ટ પડશે તે બધાં ધીરજપૂર્વક સહન કરીશ. દેવ ! દુઃખ છોડીને ફક્ત સ્વામીના સુખમાંજ હું ભાગ પડાવું, તો પછી હું પતિની સહધર્મિણી કેવી રીતે થઈ શકું ? ગાઢા વનમાં થઈને જવાનો પ્રસંગ આવશે, ત્યારે હું સ્વામીની આગળ આગળ જઈશ અને ઘાસ તથા નાનાં નાનાં ઝાડવાંને સ્વામીના માર્ગમાંથી ખસેડીને આઘાં કરીશ. હું તેમની સગવડ પ્રત્યે નજર રાખીશ, એટલે સુધી કે કોમળ વેલ કે ઘાસનું તણખલું પણ એમને અડવા ન પામે તેની કાળજી રાખીશ. આર્ય રમણીને માટે સારા પતિનો સંયોગ એ દુર્લભ વસ્તુ છે. સારો પતિ મળે એટલા સારૂજ કન્યાઓ કર્તવ્યપરાયણ થઈને માબાપની સેવાચાકરી કરતી રહે છે. સદાચાર અને પવિત્રતાપૂર્વક