પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
માદ્રી



નીતિનું પાલન કરે છે અને કાળજીપૂર્વક સારાં વસ્ત્રાભૂષણ ધારણ કરે છે. દેવ ! સ્ત્રીજાતિને માટે ભરથારહીન થવું એ અત્યંત મોટું દુઃખ છે, તો પછી આપ સમજુ થઈને પતિનું અનુકરણ ન કરતાં ઘેર બેસીને વિધવાના જેવું જીવન ગાળવાની મને સલાહ આપો છો ? હું બીજું એક દૃષ્ટાંત આપની આગળ રજૂ કરીશ. મનોહર પુલિનદ્વીપ અને સુંદર તટવાળી નદી હોય પણ જો એમાં જળ ન હોય, તો બધું વ્યર્થ છે. ઊંચા કોટ અને કિલ્લાઓ, પહેરેગીરો, ઉદ્યાન, સુંદર દરવાજાઓ, હવેલીઓ એ બધાથી સુશોભિત નગર હોય; પણ જો એમાં શાસન કરનારનો અભાવ હોય તો એ બધું ફોગટ છે. માણસની પાસે ધન અને કુળ બન્ને હોય પણ વિદ્યા ન હોય તો એ બન્ને વૃથા છે. માણસના શરીર ઉપર લાખો રૂપિયાનાં વસ્ત્રાભૂષણ હોય પણ જો તેનામાં સારી ચાલચલગત ન હોય તો એ બધું મિથ્યા છે, એટલું જ નહિ પણ રમણીને દશ ભાઈ હોવા છતાં જો એને સ્વામી ન હોય તો એનું જીવન વૃથા છે. વળી એક ઉદાહરણ આપને બતાવું છું. જેવી રીતે રથની શક્તિ જયપતાકા છે, અગ્નિની શક્તિ ધુમાડો છે, રાજ્યની શક્તિ રાજા છે, મનુષ્યની શક્તિ વિદ્યા છે તેમ રમણીની શક્તિ તેનો સ્વામી છે. આર્ય ! કોઈ પતિવ્રતા સ્ત્રી સ્વામીના સુખદુઃખમાં ભાગ પડાવે છે, ત્યારે દેવતાઓ, બ્રાહ્મણો અને સાક્ષાત્ ઇંદ્ર પણ એની પ્રશંસા કરે છે. હવેથી આપના પુત્ર ભગવાં વસ્ત્ર ધારણ કરશે, એટલે હું પણ એમની સાથે એવાં વસ્ત્ર ધારણ કરીને બધી ઋતુઓમાં તેમના દુઃખમાં ભાગ પડાવતી સાથે ને સાથે રહીશ. પર્વતમાં કે ખીણોમાં કોઈ ફાડી કે કરડી ખાનાર જાનવર આવશે, તો પહેલી હું આગળ થઈશ કે પહેલું મને મોત આવે. એકલી તો આ રાજ્યમાં રહીને આખા રાજ્યની શાસક થવાની પણ મારી મરજી નથી, આપના પુત્ર રાજ્ય કરતા હોત, તો જરૂર હું એ રાજ્યસુખમાં ભાગી બનત. જે રમણી સુખમાં તો સ્વામીની સાથે રહે પણ દુઃખમાં તેનો સંગ છોડી દે, તે રમણી પિશાચી અને રાક્ષસ જેવી નિકૃષ્ટ છે; માટે હું તો મારા સ્વામીની સહચારિણીજ થઈશ.”

મહારાજ સંજયે કહ્યું: “વધુમાતા ! સ્વામીની સુપત્નીરૂપે તેના સુખદુઃખની ભાગીદાર બનવા સંબંધી તમે જે જે દલીલો બતાવી તે બધી વ્યાજબી છે. એને લીધે તમને અરણ્યમાં જતાં રોકવાની મારી જરા પણ ઈચ્છા નથી, પણ મારાં આ બે ફૂલ