પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
વિશાખા મિગારમાતા



નહિ. તેણે શાંતપણે પોતાના સસરાને જવાબ આપ્યો કે, “આપને મારા ઉપર આટલો ક્રોધ કરવો ઘટતો નથી. હું કાંઈ વેચાતી આણેલી દાસી નથી. હું આપના જેવાજ મોટા કુળમાં જન્મી છું. પ્રથમ મારો અપરાધ મને સમજાવો અને પછી મને અહીંથી જવાનું કહો. મારા પર વિના કારણે આરો૫ આવે નહિ તેથી મારા માટે મારા પિતાએ અહીં આઠ કુલીન ગૃહસ્થોને મારા અપરાધની ચોકસી કરવા માટે કહી રાખ્યું છે, તો તેમની સમક્ષ મારો શો દોષ છે તે જણાવો. જો તેઓ મને અપરાધી ઠરાવશે તો હું ખુશીથી અહીંથી નીકળી જઇશ.”

પુત્રવધૂનું આ સ્પષ્ટ બોલવું સાંભળી મિગારનો મિજાજ જરા ઠેકાણે આવ્યો. તેણે તે આઠ કુલીન ગૃહસ્થોને તરતજ બોલાવી મંગાવ્યા અને પોતાની પુત્રવધૂને ગુનો તેમને કહી સંભળાવી જણાવ્યું: “આને મારા ઘરમાંથી આજ ને આજ કાઢી મૂકો.”

તે ગૃહસ્થોએ પૂછ્યું: ”કેમ, બહેન વિશાખા ! તારા સસરા વાસી અન્ન ખાય છે એવું તેં કહ્યું હતું કે ?”

વિશાખા બોલી: “મારો સસરો જૂના પુણ્ય પર નિર્વાહ કરે છે અને નવીન પુણ્ય સંપાદન કરતો નથી, એવો મારા કહેવાનો અર્થ હતો, તેથી તે જૂનું પુરાણું ખાય છે એમ મેં કહ્યું હતું.”

તે ગૃહસ્થોએ મિગારને કહ્યું: “આ કહેવું ઘણું ડહાપણ ભરેલું જણાય છે, એટલા માટેજ વિશાખાને ઘરમાંથી હાંકી કાઢવી એ તમને ઉચિત નથી.”

વિશાખાના બીજા કેટલાક બારીક બારીક દોષો મિગારે તે ગૃહસ્થોને જણાવ્યા, પણ તપાસ કરતાં તે દોષ ન હોઈ, મિગારની કેવળ ગેરસમજ થઈ હતી એવું દેખાઈ આવ્યું. જ્યારે મિગાર બોલ્યો: “પણ આનો બાપ જ્યારે અહીં આવ્યો ત્યારે અમારી સમક્ષ એણે દસ નિયમ એની પુત્રીને શીખવ્યા હતા. અમને તો તે કેવળ ઘેલછાજ જણાય છે. પછી આને એનો અર્થ જે સમજાયો હોય તે ખરો.”

તે ગૃહસ્થો બોલ્યા: “કેમ, બહેન વિશાખા ! ધનંજય શ્રેષ્ઠીએ તને કયા કયા નિયમ શીખવ્યા હતા અને તેમના અર્થ શા છે ?”

વિશાખા બોલી: “અંદરની આગ બહાર લઈ જવી નહિ, એ પહેલો નિયમ મારા પિતાએ મને શીખવ્યો. તેનો અર્થ એવો છે