પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
કુલવધૂ સુજાતા



“સ્વામી મારી નાંખવાને તૈયાર થયો હોય તોપણ જે સ્ત્રી પ્રસન્નચિત્તે ભક્તિપૂર્વક સ્વામીની ગેરવર્તણુંક સહન કરે, સ્વામીના ઉપર જરા પણ ક્રોધ ન કરે, જે સ્વભાવથીજ ક્રોધ વગરની હોય અને સ્વામીને વશ રહીને ચાલનારી હોય તે સ્ત્રી દાસીસમા ભાર્યા કહેવાય છે.

“વધકા, ચોરી અને આર્યસમા એ ત્રણ પ્રકારની સ્ત્રીઓ દુઃશીલા, કર્કશા સ્વભાવની અને સ્નેહહીન હોય છે. મૃત્યુ પછી તેમનો નરકવાસ થાય છે.

“માતા ! ભગિની, સખી અને દાસીસમા શીલવતી સ્ત્રી હમેશાં સારાં કામમાં નિમગ્ન રહેનારી અને સંયમવાળી હોય છે. મૃત્યુ પછી તેને સ્વર્ગલોકમાં ગમન કરે છે.

“હે સુજાતા ! પુરુષોને એ સાત પ્રકારની સ્ત્રી હોય છે. તું એમાંથી કયા પ્રકારની છે ?”

સુજાતાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો: “હે પ્રભુ ! આજથી મને મારા સ્વામીની દાસીસમા ભાર્યા તરીકે ગણજો.”

ત્યારપછી ભોજન કરી ભગવાન જેતવનના વિહારમાં પાછા ફર્યા. સુજાતા એ દિવસથી સાસુસસરા ઉપર ભક્તિ રાખવા અને તેમની સેવાચાકરી કરવા લાગી. સ્વામીના ઉપર અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમ રાખીને છાયાની માફક તેની વશવર્તિની થઈ. દાસદાસીઓ ઉપર છોકરાંના જેવો પ્રેમ રાખવા લાગી. હવે તેના આચરણથી ઘરનાં તથા પડોશનાં બધાં માણસો સંતુષ્ટ રહેવા લાગ્યાં.

આ ઉપરથી વાચક બહેન સમજી શકશે કે, ભગવાન બુદ્ધદેવની સ્ત્રીજાતિ ઉપર કેટલી બધી પ્રીતિ હતી. સ્ત્રીઓને ભગવાને જે અમૃતમય ઉપદેશ આપ્યો છે તે પ્રમાણે જો આપણી ભગિનીઓ અને કન્યાઓ વર્તશે તો સંસારના અનેક પાપતાપથી બચી જશે અને તેમનો સંસાર શાંતિનિકેતન બની જશે. કુસંપને લીધે જે કુટુંબોમાં કલહાગ્નિ સળગી રહ્યો હશે ત્યાં આગળ જો બુદ્ધ ભગવાનના આ ઉપદેશનું સ્મરણ કરવામાં આવશે તો ત્યાં અપૂર્વ શાંતિ–સુધાની વૃદ્ધિ થશે.

બૌદ્ધયુગમાં સુજાતાએ મહાસાધ્વી તરીકે સારી પ્રતિષ્ઠા મેળવી હતી.