પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પારસ-મણિ

વૃન્દાવનની અંદર, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઋષિજીને ચરણે પ્રણામ કર્યા.

સનાતને પૂછયું : 'ભાઈ, કયાંથી આવો છો ? તમારું નામ શું ?'

બ્રાહ્મણ બોલ્યો : 'મહારાજ ! બહુ દૂર દેશથી આવું છું. મારું દુઃખ વર્ણવ્યું જાય તેમ નથી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રીએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયા : 'યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઇને યાચના કરજે, તારી ભીડ એ ભલા સાધુ ભાંગવાના.'

સનાતન બોલ્યા : 'બેટા, મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું ? જે હતું તે બધું ફેંકી દઇને, ફક્ત આ ઝોળી લઇને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું. પણ હાં ! હાં ! મને યાદ આવે છે. એક દિવસ કોઇને દેવા કામ આવશે, તેટલા માટે મેં એક મણિને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે. જા ભાઇ, એને લઈ જા. તારું દુઃખ એનાથી ફિટવાનું. તને અખૂટ દોલત મળવાની.'