પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૮૪



કર્ણ : નિર્ભય રહેજો, માડી ! વિજય તે આખરે પાંડવોનો જ થવાનો છે, આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂકયું છે, આ શાંત રાત્રીની અંદર પણ નભો- મંડળમાંથી નિરાશાના અને પરાજયના જ પડઘા સંભળાય છે. અમારી હાર હું તો જોઈ રહ્યો છું. જે પક્ષને પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને કહેશે ના, માડી ! ભલે પાંડવો જીતે ને રાજા બને. હું તો એ હારનાર પક્ષમાં જ પડયો રહીશ. મારા જન્મની રાત્રીએ જે રીતે તમે મને ધૂળમાં રઝળતો મૂકેલો, નનામો કરી ગૃહહીન બનાવેલો, આજે એ જ રીતે, મનના મોહ મારીને, ઓ માડી ! મને આ અંધારા અને અપકીર્તિકારક પરાભવમાં રઝળતો મેલી દો. માત્ર એટલો જ આશીર્વાદ દેતાં જજો ઓ જનેતા ! કે વિજય, કીર્તિ અથવા રાજની લાલચે હું શૂરાનો માર્ગ કદાપિ ન છોડું.