પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૮ )

અનુપમ પ્રેમ ધરે" કરી લીધું છે. કિયા નાટમકમાં અથવા કાવ્યમાંનો આ શ્લોક છે તે હું દિલગિર છું કે મ્હને ખબર નથી. તેમ જ 'નટ રંગ ભૂમિ પર જેમ ફરે' એ પણ એ શ્લોક પછીના શ્લોકમાંની લીંટી મ્હેં લીધી છે કે કેમ તે મ્હને બરોબર યાદ નથી. તેમ હશે તો તે સ્વીકારવાનો મને કાંઇ પણ સંકોચ નથી.

કડી ૧, લીંટી ૨. તેહ = પ્રેમ (આગળ ૪થી લીંટીમાં આવનાર છે તે.) કડી ૨. લહરીલટકે = લહરી (ઝીણા તરઙ્ગ) ના લટકામાં. કડી ૪. ચન્દ્ર-ચન્દ્રમાં (સપ્તમીનો પ્રત્યય 'એ' લુપ્ત છે.)

આ કાવ્યના ભાવાર્થ વિશે 'પ્રેમનાં સ્વરૂપ' એ કાવ્યની ટીકામાં ઉપર કહ્યું જ છે.

આનન્દ ઑવારા.—પૃષ્ઠ ૩૧.

વિષમ હરિગીત - પ્હેલા ને ત્રીજા ચરણમાં ૨૬ માત્રા, અને બીજા ને ચૉથા ચરણમાં ૨૮ માત્રા; પ્હેલા ને ત્રીજા ચરણમાં પ્હેલી માત્રાથી અને બીજા અને ચૉથામાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે.

કડી ૧, ચ. ૪. "સુખદ આનન્દ-ઑવારા" -'મનને બોધ' એ મથાળા નીચે ઇડરના નીલકણ્ઠે કરેલી હોરી ઇ૦ સ૦ ૧૮૮૩ના એપ્રિલ માસના 'બુદ્ધિપ્રકાશ'માં આવી હતી. ત્હેમાં છેલ્લી કડીમાં "ટળશે મરણ જન્મારા, સુખદ એ આનન્દ ઓવારા" એ વાક્ય હતું, ત્હેમાંથી આ શબ્દ કાઢી લીધા છે.

ઑવારા = કિનારા, આનંદસિંધુના કિનારા. (ઑવારો એ શબ્દ સૂરત જીલ્લા તરફ ખાસ વપરાય છે; અમદાવાદ તરફ 'આરો' શબ્દ પ્રચરિત છે.)

સ્વચ્છ આકાશમાં રખડતા મેઘકકડાથી ઊછળી આવતા આનંદનું આ ટૂંકા કાવ્યમાં વર્ણન કરવનો પ્રયત્ન છે.

કવિનું સુખ.—પૃષ્ઠ ૩૨.