પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૦ )

મૂક્યા છે. આ રીતે જનમણ્ડળની સ્થિતિ જોવાથી ઉત્પન્ન થતી વૃત્તિને લીધે જ, - મનુષ્યદુષ્ટતાથી ઉત્પન્ન થતાં નિર્વેદ તથા ગ્લાનિ કાઢી નાંખી મનને શાન્તિ તથા સમાધાન આપવા ફૂલની સાથે આનંદખેલમાં દિવસ ગાળવાની ઇચ્છા ઉત્પન્ન થતી દર્શાવી છે.

કરેણા.—પૃષ્ઠ ૩૪.

પાછલા કાવ્યમાં કહેલા ભાવનો કાંઈક સંબંધ આ કાવ્યમાં પણ છે. જનસમાજના બંધારણમાં જ કાંઈક મનુષ્યના હ્રદયમાં દોષ ઉત્પન્ન કરવાનું વલણ રહેલું છે તેથી ઊલટું પ્રકૃતિની સ્વાભાવિક અવસ્થામાં સમાજનાં કૃત્રિમ બંધનથી મુક્ત રહી ઊછરવામાં - નિર્દોષ, આનંદમય હ્રદય ઉત્પન્ન કરવાનું વલણ છે. આ વિચારો પ્રકૃતિની પ્રેમમય ઉછેરમાં ઊછરતાં કરેણાનાં ફૂલની આનંદમય મૂર્તિ જોવાથી સૂઝેલા કાવ્યને અંતે સૂચવ્યા છે.

આસપાસ સર્વત્ર સૂકી પથ્થરની પર્વતમય ભૂમિમાં ન્હાના વ્હેળાના પટમાં જથાબંધ, ગુલાબી રંગના છાંટવાળાં, કરેણનાં ફૂલના છોડનાં ઝૂમખાં ને ઝૂમખાં એકાએક જણાઈ આવેલાં વર્ણવેલાં છે. સ્હવારનો સમય છે. શોલાપુર જિલ્લાના માળશિરસ તાલૂકામાંના એક પ્રદેશમાં આ દૃશ્ય નજરે પડ્યું હતું.

કડી ૨. ચરણ ૨. પ્રભાતના સૂર્યનું તેજ એ કરેણાનાં ફૂલ ઉપર પડેલું તે.

કડી ૩. ચરણ ૨. પ્રકૃતિ - પ્રકૃતિયે. તૃતીયાનો પ્રત્યય લુપ્ત. લઘુ સ્રોત ઉપર શીળી વૃક્ષઘટા રચીને પ્રકૃતિયે અતિ પ્રેમભેર અહિં ન્હાનો સરખો બાગ રચ્યો છે, ત્ય્હાં આ ફૂલનો રંગ મચ્યો છે.

વ્હેળા કિનારે ઝાડની ઘટા -સ્વાભાવિક બાગ જેવી; - અને તે પાસે પટમાં કરણાનાં ભોથાં; - એમ સ્થિતિ છે.

કડી ૪. કરેણાનાં ફૂલને વિશે ગિરિદેવીઓની સંભાવના કરી છે. જાણે (ઉપર કહેલા સ્વાભાવિક) બાગમાં રમવા માટે પર્વતની ટોચ ઉપરથી ગિરિદેવીઓ ઊતરી આવી ના હોય ! એમ આ ફૂલનું મણ્ડળ દેખાય છે. શકે = જાણે કે; સ. शङ्के ઉપરથી; આ શબ્દ પ્રેમાનંદ વગેરેની કવિતામાં રૂઢ છે.