પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૧ )

કડી ૫. સહુને - સર્વ ફૂલને. જહિં - જે વખતે. જે વખત સમીર ચૂમે તે વખતે પ્રત્યેક કુસુમ ઉપર મન્દ સ્મિત રમે.

ચરણ ૩. સમે = પેઠે.

આશાપંખીડું.—પૃષ્ઠ 3૫.

મનુષ્યનું જીવન આશાને આધારે ચાલે છે. પ્રત્યેક પ્રસંગે આશાભંગ થાય તો પણ વળી બીજો આશાનો વિષય પકડી આગળ ચાલે છે. આશાપંખીડું ઊડ્યે જાય છે ત્હેની પાછળ મનુષ્ય દોડ્યે જાય છે. પરંતુ ખરું સ્વરૂપ આશાનું મૃત્યુની પેલી પાર ભાવિકાળની મ્હોટી આશાનું સાફલ્ય તે છે. આ તત્પર્ય આ કાવ્યનું છે.

કડી ૭, ચરણ ૪. મ્હારે પ્રભાવ - મ્હારા પ્રભાવે- મ્હારા પ્રભાવ વડે.

કડી ૮, ચરણ ૩. કપાળ =ખોપરી.

કડી ૧૧, ઉત્તરાર્ધ. ભાવિ પરકાળમાં સુખ અને આનન્દનું સ્વરૂપ હોવાને લીધે આનન્દમૂર્તિ ચન્દ્રમાં આશાખીડું જઈ રહ્યું કલ્પ્યું છે. અને તે ભાવિકાળના આશાના સાફલ્યની સૂચનાઓ ચાંદનીની રાત્રિમાં આત્મામાં પ્રેરણારૂપે થવાથી આશાપંખીડાનું ગાન તે વખતે કદી કદી સંભળાતું કહ્યું છે.

વિધવાનો વિલાપ.—પૃષ્ઠ ૫.

કડી ૧. 'રહી', 'વહી,' 'રમે', 'સૂતી', એ સર્વે ક્રિયા પદોનો કર્તા 'ચાંદની' એ છે.

કડી ૩, ચરણ ૨. જ્યહાં દૃષ્ટિતણો અન્ત=ક્ષિતિજમાં.

ઉત્તરાર્ધ:- મતલબ કે વડઘટા એટલી ગાઢી કે સંપૂર્ણ અંધકર અજવાળી રાત્રે પણ ત્ય્હાં રહેતો.

કડી ૪-૫. ચણ્ડપવન નીકળે ત્ય્હારે પાસેની નદીનું જળ હાલે જ એટલે તટતરુનાં પ્રતિબિમ્બ પણ જળમાં હાલે. તટ ઉપર ઝાડનાં પાંદડાં પણ હાલે જ. જળમાં ચંદ્રનું પ્રતિબિમ્બ પણ હાલે જ, તે ઉપરથી પવન સાથે યુદ્ધ કરતા વડના ઝુંડનો ઘુઘાટ સાંભળીને એ સર્વે જાણે ભયથી કમ્પતાં કલ્પ્યાં છે. અને આમ થાય ત્ય્હારે શાન્તિમાં પણ ભંગ થાય જ. તેથી ત્ય્હાં વસતી શાન્તિ પણ જાણે કમ્પતી હોય એમ કલ્પના કરી છે.