પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કચ્છનો કાર્તિકેય

કહેવા લાગ્યો કે: "અખંડપ્રૌઢપ્રતાપી મહારાજાધિરાજ, હું આજે કુમારશ્રીનું વર્ષફળ કાઢી લાવ્યો છું અને આજની સભામાં મારો તે વર્ષફળપત્રિકા વાંચી સંભળાવવાનો મનોભાવ છે; એટલામાટે મને તે વાંચવાની આજ્ઞા મળવી જોઈએ."

બ્રાહ્મણની એ પ્રાર્થના સાંભળીને હમ્મીરજીએ પોતાના ભૂધરશાહ પ્રધાનને સંકેત કર્યો અને તેથી દક્ષ સચિવ બ્રાહ્મણને ઉદ્દેશીને કહેવા લાગ્યો કેઃ "મહારાજ, આજે આપ આ માંગલિક પ્રસંગે પધાર્યા છો, તો જામ સાહેબની આજ્ઞા છે કે, જે કાંઈ વાંચવાનું હોય તે આનંદથી વાંચો."

"ખમા અન્નદાતાને" કહીને જોશીએ પ્રથમ મીન, મેષ, વરખ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ આદિ બાર રાશિઓનાં નામોનો ઉચ્ચાર કર્યો અને ત્યાર પછી કુંડળીમાંના ગ્રહોનું વિવેચન કરતાં કહ્યું કે: "કુમારના જન્મગ્રહોમાં આયુષ્યના ગ્રહો બલવાન્ તથા સ્વસ્થાને પડેલા હોવાથી તથા એમના હસ્તપાદ આદિની રેષાઓમાં પણ આયુષ્યવૃદ્ધિની સારી રેષાઓ હોવાથી એ કુમાર દિગ્વિજયી થવાના જ, એમાં તે કશી પણ શંકા નથી જ; પરંતુ બહુધા આ વર્ષમાં એમના શિરપર એક ગુપ્ત શત્રુનો આઘાત થવાને સંભવ છે, તેના નિવારણમાટે કાંઈ ઉપાય કરવો જોઈએ."

"તે ઉપાયનું કાર્ય આપને જ સોંપવામાં આવે છે એટલે ગ્રહશાંતિ આદિનો આજથી જ આરંભ કરો; જે ખર્ચ થશે તે રાજભંડારમાંથી આપવામાં આવશે." જામ હમ્મીરે આજ્ઞા કરી.

"જેવી અન્નદાતાની આજ્ઞા," જોશીએ કહ્યું.

સર્વ કવિ, ભાટ, ચારણ તથા બ્રાહ્મણ અને ભિક્ષુકોને તેમની યોગ્યતા પ્રમાણે ઉપહાર, પારિતોષિક, દાન અને ભિક્ષા આદિ આપવાના કાર્યનો આરંભ કરવામાં આવ્યો. એ વિધિ ચાલતો હતો એટલામાં એક ગુપ્ત રાજદૂત સભામાં આવી લાગ્યો અને તેણે રાજાને ત્રણ વાર નમન કરીને પ્રાર્થનાના સ્વરૂપમાં કહ્યું કે: "મહારાજાધિરાજ, હું એક ગુપ્ત સમાચાર લાવ્યો છું અને આપની જોડે ગુપ્ત વાર્ત્તાલાપ કરવાની અગત્ય છે."

"કાંઈ અશુભ સમાચાર છે કે?” હમ્મીરજીએ ગંભીરતાથી પૂછ્યું.

"અશુભ તો નથી, પરંતુ ભયંકર છે." ગુપ્ત દૂત બોલ્યો.

"વારુ ત્યારે અત્યારે હવે સભાનું વિસર્જન કરો." રાજાએ આજ્ઞા કરી.

ત્વરિત સર્વ સભાજનો નમન કરીને એક પછી એક ચાલતા