પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યુવરાજજન્મતિથિમહોત્સવ

થયા. કુમારો પણ મહાલયમાં ચાલ્યા ગયા. જામ રાવળનો જો કે એ ગુપ્ત સમાચારને જાણવાનો તીવ્ર મનોભાવ હતો, તો પણ ત્યાં રહેવું રાજનીતિથી વિરુદ્ધ હોવાથી તેને પણ ઈચ્છા ન હોવા છતાં ત્યાંથી ચાલ્યા જવું પડ્યું. માત્ર મહારાજા જામ હમ્મીરજી, પ્રધાન ભૂધરશાહ અને ગુપ્ત રાજદૂત એ ત્રણ પુરુષો જ ત્યાં રહ્યા. બહારના પહેરેગીરોને કોઈને પણ આજ્ઞા વિના અંદર ન આવવા દેવાની તાકીદ કરીને હમ્મીરજીએ દૂતને પૂછ્યું કેઃ "શા ભયંકર સમાચાર છે ?"

"અન્નદાતા, ગુજરાતનો સુલ્તાન મહમ્મદ બેગડો અમદાવાદથી હાલમાં સિંધ તરફ જાય છે અને તે આપણા દેશમાં થઈને જ જવાનો છે. મારા સાંભળવામાં આવી છે તે વાત જો ખરી હોય, તો તેની આપણી સાથે યુદ્ધ કરવાની પણ કાંઈક ઈચ્છા છે. એટલે જો એવું કાંઈ પણ બને, તો તે વેળાએ શા ઉપાયો યોજવા એના વિચારમાટેનો આપને યોગ્ય સમય મળે એ હેતુથી જીવના જોખમે આ સમાચાર મેં મેળવ્યા છે અને બે દિવસ ખાનપાન વિના પ્રવાસ કરીને આજે હું અહીં આવી પહોંચ્યો છું."

"વફાદારી ખરેખર આવી જ હોવી જોઈએ." જામ હમ્મીરજીએ ધન્યવાદ આપતાં કહ્યું.

"બાવાના આ શબ્દોપર અમારા પ્રાણ ઓવારી નાખવાને પણ અમે તૈયાર છીએ" દૂતે કૃતજ્ઞતા દર્શાવી.

"કેમ પ્રધાનજી, જો આ દૂતના લાવેલા સમાચાર પ્રમાણે જ બધી ઘટના બની આવે, તો એ સુલ્તાનને અહીંથી ટાળવાનો આપણે શો ઉપાય કરવો વારુ ?" હમ્મીરજીએ પ્રધાનને ઉદ્દેશીને પૂછ્યું.

"અત્યારે આપણી પાસે સૈન્ય તથા સત્તાનું એ સુલ્તાન જેટલું બળતો નથી જ એટલે એની સામા યુદ્ધમાં ઉતરવાથી તો સર્વથા હાનિ થવાનો જ સંભવ છે. હાલમાં તો આપણે રાજનીતિના કોઈ અનુકુળ તત્વનું અવલંબન કરીને સમય વીતાડી દેવો જોઈએ," પ્રધાને અભિપ્રાય દર્શાવ્યો.

"ત્યારે હમણાં આપણે કઈ રાજનીતિનો ઉપયોગ કરવો ?" હમ્મીરજીએ અત્યન્ત આતુરતાથી પૂછ્યું.

"રાજર્ષિ શ્રી ભર્તૃહરિએ રાજનીતિની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે:—

'सत्यानृता च परुषा प्रियवादिनी च हिंस्रा दयालुरपि चार्थपरा वदान्या ।
नित्यव्यया प्रचुरनित्यधनागमा चवाराङ्गनेव नृपनीतिरनेकरुपा' ॥'

એનો ભાવાર્થ એવો થાય છે કે, રાજનીતિ કોઈ વાર કેવળ સત્ય-