પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
ગૃહલક્ષ્મીનો લાભ

અસ્તુઃ આ સુયોગ તો જાણે આવ્યો અને આવતી કાલે વાગ્દાન પણ થઈ જશે; પરંતુ એ ઉભય બંધુઓ અત્યારે વિપત્તિમાં હોવાથી અમદાવાદ જવાના છે, તો પછી લગ્નસમારંભ ક્યારે થશે ? જો લગ્નસમારંભમાં ધાર્યા કરતાં બહુ જ દીર્ધકાળ વીતી જશે, તો મારાથી મારા પ્રિયતમનો વિયોગ કેમ કરીને સહી શકાશે ? મારા મનમાં તો એમ જ થયા કરે છે કે જો આવતી કાલે જ મારાં પિતામાતા કુમાર ખેંગારજી સાથે મારો લગ્નસંબંધ કરી આપે, તો હું પણ તેમની સાથે જ જાઉં અને વિપત્તિની વેળામાં તેમની સર્વ પ્રકારે સેવા કરી, તેમને આશ્વાસન આપી, 'અર્ધાંગના' નામની સાર્થકતા કરી બતાવવામાટે તેમનાં દુઃખોની પણ સમભાગિની થાઉં ! સતી સીતા વનવાસમાં શ્રી રામચંદ્રજી સાથે ગયાં હતાં: દમયંતીએ આપત્તિના કાળમાં નળનો ત્યાગ કર્યો ન હતો અને સતી દ્રૌપદી પણ પાંડવોના વનવાસના સમયમાં તેમની સાથે જ હતી; તો પછી મારા પ્રાણનાથના સંકટકાળમાં હું પણ તેમની સાથે જ રહું, તો તેમાં અયોગ્યતા શી છે ? સુખના સમયમાં પતિની સંપત્તિમાં ભાગ લેવાના પ્રસંગો તો ઘણાય મળશે; પણ તેમની આપત્તિમાં ભાગ લેવાનો આવો અવસર પુનઃ પુનઃ પ્રાપ્ત થવાનો નથી. પરંતુ હાય ! સમાજબંધન અને રૂઢિની પ્રબળતા એવી છે કે, મારી આ મનીષા પૂર્ણ થશે કે કેમ, એનો મનમાં સંપૂર્ણ સંશય જ રહ્યા કરે છે ! જોઈએ કે હવે પરમાત્મા કેવો રંગ બતાવે છે !”

આવા પ્રકારના તર્કવિતર્ક કરતી તરુણી રાજકુમારી પણ અન્તે અસ્વસ્થ હૃદયથી નિદ્રાદેવીના અંકમાં પડીને કેટલાક સમયનેમાટે માનસિક વેદનાથી મુક્ત થઈ, એમ જો કે સામાન્ય દૃષ્ટિથી આપણે કહી શકીએ તેમ છે; પરંતુ વાસ્તવિક પ્રકાર તેવો નહોતો; કારણ કે, નિદ્રામાં પણ તેને સત્ય શાંતિનો સાક્ષાત્કાર કિંવા ઉપભોગ મળી શક્યો નહિ. નિદ્રામાં પડ્યા પછી તે બાળાને નાના પ્રકારનાં શભાશુભ સ્વપ્નોનું દર્શન થવા લાગ્યું અને તે સ્વપ્નદર્શનમાં જ નિશાનો અંત થવાથી પ્રભાતમાં જ્યારે તેની નિદ્રાનો ભંગ થયો ત્યારે જાણે પોતે સમસ્ત નિશા અખંડ જાગરણમાં જ વીતાડી હોયની ! એવો જ તેને ભાસ થવા લાગ્યો.

««»«»«»«»»


દ્વિતીય પરિચ્છેદ
ગૃહલક્ષ્મીનો લાભ

પ્રભાતમાં અર્ધ પ્રહર જેટલો દિવસ ચઢતાં જાલિમસિંહની ડેલીમાં પાછો દાયરો જામી ગયો, કસૂંબા, ઠૂંગા તથા હુક્કા પાણીનો રંગ