પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
ગૃહલક્ષ્મીનો લાભ

કહીને તેણે બીજી બસેં કોરી મને આપી અને પોતાના ઊંટપર બેસાડીને મને રવાના કરી દીધો. માર્ગમાં અમને વૈરિસિંહજી મળ્યા અને તેમણે અનુમાનથી મને ઓળખી લીધો. આ કારણથી અમે વ્હેલા આવ્યા છીએ.” ખેંગારજીએ તે વાણિયાના ઉપકારને પણ સ્મરણમાં રાખી લીધો અને ત્યાર પછી, એ વેળાએ ત્યાં અન્ય કોઈ મનુષ્ય ન હોવાથી, પોતાના તથા સાયબજીના શરીરસંબધની વાર્ત્તા છચ્છરને કહી સંભળાવી. આ વાર્તા સાંભળીને છચ્છર આનન્દમગ્ન થઈને કહેવા લાગ્યો કે: પરમાત્મા આપના સંસારને સર્વ પ્રકારે સુખમય કરો. કહો, ત્યારે આપણે હવે અહીંથી ક્યારે પ્રયાણ કરીશું ?”

હજી તો છચ્છરના આ પ્રશ્નનું ઉત્તર આપવા માટે ખેંગારજી પોતાની જિહ્વાને ખોલતો હતો એટલામાં ગઢવી દેવભાનુ, જાલિમસિંહ અને વૈરિસિંહ ત્યાં આવી લાગ્યા અને ગઢવી દેવભાનુ ખેંગારજીને સંબોધીને પોતાની મધુર તથા આકર્ષક વાણીથી કહેવા લાગ્યો કે; “શ્રી કચ્છનરેશ, આપ ઉભય બંધુઓનાં અનુક્રમે રાજકુમારી નન્દકુમારી તથા કુમારિકા રાજમણી સાથે સગપણ તો થઈ ગયાં છે; પરંતુ નન્દકુમારી વિવાહને યોગ્ય વયનાં થયેલાં હોવાથી જાલિમસિંહ આદિનો એવો વિચાર છે કે પાણિગ્રહણનો વિધિ પણ અત્યારે જ થઈ જાય, તો વધારે સારું; અને જો નન્દકુમારીનાં લગ્ન થાય, તો પછી સાથે સાથે રાજમણીના લગ્નનું કાર્ય પણ આટોપી લેવું, એ ઉભયપક્ષને હિતાવહ છે. ત્યારે હવે આપનો શો અભિપ્રાય છે ?”

ખેંગારજી થોડી વાર વિચાર કર્યા પછી ગંભીર ભાવથી કહેવા લાગ્યો કે “ ગઢવીજી, એ તો હવે તમે જાણી ચૂક્યા છો કે અમારી પાસે અત્યારે એક કપર્દિકા પણ નથી અને લગ્ન જેવા પ્રસંગે અમારા કુળની પ્રતિષ્ઠા અનુસાર અમારે કાંઇક તો ખર્ચ કરવો જ જોઈએ; અર્થાત્ અમે અમદાવાદથી કચ્છમાં જવા માટે પાછા ફરીએ, ત્યાં સુધી જો આ લગ્નસમારંભને મુલતવી રાખવામાં આવે, તો સારું, એવો જ મારો અભિપ્રાય છે; કારણ કે, ત્યાંથી કદાચિત્ અમને જોઈતું ધન મળી શકશે, એવો અમારો દૃઢ નિશ્ચય છે.”

ગઢવીએ અમુક આશયથી જાલિમસિંહ પ્રતિ દૃષ્ટિપાત કર્યો અને તેના આશયને સમજીને જાલિમસિંહે ખેંગારજીને કહ્યું કે, “એ વિષયની આપ લેશ માત્ર પણ ચિન્તા રાખશો નહિ; કારણ કે, આપને અત્યારે પાંચ હજાર કોરી અમો ઉછીની આપીશું. જો કે આપની કુલપ્રતિષ્ઠા સાથે સરખાવતાં પાંચ હજાર કોરી કશી પણ બિસાતમાં નથી: પણ હાલ તરત પ્રસંગ નભી જશે અને લગ્નનો જે અધિક ઉત્સવ