પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
કચ્છનો કાર્તિકેય

ધારવામાં જ આપણી શોભા છે અને સહિષ્ણુતામાં જ આપણું કલ્યાણ છે. ધૈર્ય, ધર્મ, મિત્ર તથા સ્ત્રીની દૃઢતાની પરીક્ષા આવા સંકટના સમયમાં જ થાય છે." ખેંગારજીએ યોગ્ય ઉપદેશદ્વારા પોતાની પત્નીના હૃદયસાંત્વનનો પ્રયત્ન કર્યો.

પરંતુ નન્દકુમારી પણ બુદ્ધિમતી યુવતી હોવાથી પોતાના પ્રાણેશ્વરના એ વાદનો પ્રતિવાદ કરતી કહેવા લાગી કે: "મારા સૌભાગ્યના આધાર, સંકટના સમયમાં શું સતી સીતાને શ્રી રામચંદ્રજી પોતા સાથે વનવાસમાં નહોતા લઈ ગયા ? શું દમયંતી પોતાના પતિના સંકટકાળમાં પતિ નળરાજ સાથે રહી નહોતી ? દ્રૌપદીએ શું વનવાસી પાંડવો સાથે વનગમન નહોતું કર્યું અને ધારાનગરીના પરમારવંશાવતંસ જગદેવ સાથે તેની પત્ની વીરમતી પણ દુ:ખની વેળામાં છાયા સમાન અભિન્ન જ રહી નહોતી કે શું ? આટઆટલાં ઐતિહાસિક ઉદાહરણો આપણાં નેત્રો સમક્ષ પ્રત્યક્ષ હોવા છતાં પણ આપ મને પોતા સાથે લઈ જવાની ના પાડો છો, એથી મને આશ્ચર્ય થાય છે અને એમ જ ભાસે છે કે મારામાં આપનો જોઈએ તેવો પ્રેમ કિંવા પ્રણય નથી. હું પણ ઝાલાવંશના ક્ષત્રિયની કુમારી છું અને તેથી જો એવોજ પ્રસંગ આવશે, તો ચાવડી વીરમતી પ્રમાણે અવશ્ય પરાક્રમ કરી બતાવીશ અને આપના નામ તથા આપની પ્રતિષ્ઠાને ખોવા કરતાં મારા પ્રાણને ખોવાનું જ વધારે પસંદ કરીશ. મારો આટલો બધો આગ્રહ હોવા છતાં પણ જો આપ મને ત્યાગીને ચાલ્યા જશો, તો અવશ્ય હું ઝૂરીઝૂરીને મરી જઇશ. પછી તો જેવો આપનો વિચાર; કારણ કે, આપ મારા પતિદેવ હોવાથી આપને મારાથી અધિક કંઈ પણ કહી શકાય તેમ નથી; અધિક બોલવાનો મારે અધિકાર નથી."

"ધન્ય છે, તારી વીરભાવનાને ! ક્ષત્રિય જાતિની એક વીરદુહિતા તથા વીરનારીના મુખમાંથી આવા જ ઉદ્‌ગારો નીકળવા જોઈએ !" આવી રીતે પોતાની પત્નીની પ્રશંસા કરીને ખેંગારજી કાંઈક આગળ બોલવા જતો હતો એટલામાં અચાનક દાસીએ આવીને શયનમંદિરનાં બારણાં ખખડાવ્યાં અને તેથી એ દંપતીને વાર્ત્તાલાપ એટલેથી જ અટકી પડ્યો.

નન્દકુમારીએ દ્વાર ઉઘાડ્યું અને દાસીએ અંદર આવીને ખેંગારજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કેઃ "ખમ્મા મહારાજાને ! આપને આપના પૂજ્ય શ્વસુર જાલિમસિંહજી કોઈ અગત્યના કાર્યમાટે અત્યારે અને આ ક્ષણેજ તેમની ડેલીમાં બોલાવે છે. તેઓ પોતે જ અહીં આવવાના હતા, પણ તેમના આવવાથી તેમની મર્યાદાને ભંગ થવાનો સંભવ