પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
ગૃહલક્ષ્મીનો લાભ

હોવાથી છચ્છરભાઈ સાથે તેઓ ડેલીમાં આપની વાટ જોતા બેઠા છે અને મને આ સંદેશો સંભળાવવામાટે મોકલી છે."

દાસીના મુખની આ વાર્તા સાંભળીને નન્દકુમારીના રંગનો ભંગ થયો અને ખેંગારજીના મુખમંડળમાં પણ કાંઈક વિષાદનો રંગ આવી ગયો. ખેંગારજી વસ્ત્ર પરિધાન કરીને નન્દકુમારીની આજ્ઞા લઇ શ્વસુર પાસે જવામાટે શયનમંદિરમાંથી બહાર નીકળ્યો અને તેના જવા પછી નન્દકુમારી શય્યામાં પડી પડી અનેક પ્રકારના શુભાશુભ તર્કવિતકોં કરવા લાગી. તે રમણીના હૃદયસમુદ્રમાં અશાંતિરૂપ અવસ્કંદનો ઉદ્‌ભવ થતાં મહાવિક્ષોભ થવા લાગ્યો અને તે અશાંતિની પ્રબળ લહરીએ તેના અંતઃકરણની શાંતિનો સર્વથા લોપ કરી નાખ્યો. "અત્યારે આટલી મોડી રાતે મારા પિતાએ મારા પ્રાણેશને મારા શયનમંદિરમાંથી શામાટે બોલાવ્યા હશે ? વળી કોઈ નવીન ભયનું કારણ તો આવીને ઉપસ્થિત નહિ થયું હોય ?" આવા પ્રકારના પોતાના મનમાં ઉદ્‌ભવતા સંશયોનું તત્કાળ રાજકુમારીથી ઉચિત સમાધાન કરી શકાયું નહિ અને તે મુંઝાવા લાગી.

*****

દાસી સાથે ખેંગાર જ્યારે જાલિમસિંહની ડેલીમાં આવ્યો, તે વેળાયે ત્યાં જાલિમસિંહ, વૈરિસિંહ, છચ્છર અને એક બીજો કોઈ અજ્ઞાત પુરૂષ એવી રીતે ચાર મનુષ્યો વાર્ત્તાલાપ કરતા બેઠા હતા. ખેંગારજીને ઉત્થાન આપીને જાલિમસિંહે ઢોલિયાપર બેસાડ્યો અને ત્યાર પછી અજ્ઞાત પુરુષને ઉદ્દેશીને કહ્યું કે: "રણમલ્લજી, જે વાર્ત્તા તમોએ અમને સંભળાવી છે, તે જ વાર્ત્તા અક્ષરશ: આ કુમારશ્રીને બીજી વાર કહી સંભળાવો."

જાલિમસિંહની આજ્ઞા થતાં રણમલ્લ ખેંગારજીને સંબોધીને કહેવા લાગ્યો કે: "મહારાજ, વાત જાણે એમ છે કે હું પરમ દિવસ અહીંથી કોઈ કારણવશાત્ ધ્રાંગધરે ગયો હતો અને ગઈ કાલે પણ ત્યાં જ હતો. આજે સાંઝે હું ત્યાંથી નીકળવાની તૈયારી કરતો હતો એવામાં અચાનક કચ્છ દેશના અત્યારના રાજા જામ રાવળના પાંચ સો ઘોડેસવાર સિપાહીઓ ત્યાં આવ્યા અને થોડી વારમાં જ નગરમાં સર્વત્ર એવી ચર્ચા ચાલવા લાગી કે, 'કચ્છના દગાથી મરાયલા રાજ જામ હમ્મીરજીના બે કુમારો કચ્છમાંથી નાઠા છે, તેમને શોધીને પકડી લઈ જવામાટે જ એ ઘોડેસવારો આવ્યા છે. આપ અહીં છો, એ વાર્ત્તા મારા જાણવામાં નહોતી, પણ મારી સ્ત્રીએ આપના અહીં આવ્યાની અને આપના લગ્નની વાર્ત્તા મને જણાવી અને તેથી આ સમાચાર