પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
કચ્છનો કાર્તિકેય

મેં અમારા ગામધણીના કાને નાખી દીધા. આપ જાલિમસિંહજીના જમાઈ છો એટલે અમારા પણ સંબંધી છો અને તેથી આપનું કલ્યાણ ઇચ્છવું એ અમારું પરમ કર્ત્તવ્ય છે. તે ઘોડેસવારો કદાચિત્ આપને શોધતા શોધતા અહીં પણ આવી પહોંચશે, એવો સંભવ છે; કારણ કે, આપ અમદાવાદ ભણી જવાના છો એ સમાચાર તેમને મળી ગયા છે. અર્થાત્ અત્યારે હવે જે યોગ્ય લાગે તે આત્મરક્ષણનો ઉપાય આપે તત્કાળ યોજવાનો છે; કારણ કે, વિલંબ તથા દીર્ધ વિચારથી આવા કટોકટીના સમયમાં ઘણીક વાર હાનિ થવાનો સંભવ હોય છે, એ તો સ્પષ્ટ જ છે. હવે પરમાત્મા આપને જેવી બુદ્ધિ આપે તદનુસાર વર્ત્તો. મારી સેવાની આવશ્યકતા હોય, તો હું આપની યથાશક્ય સેવા કરવાને તૈયાર છું."

"આપની આ લાગણીમાટે હું આપનો અત્યંત આભાર માનું છું અને અંત:કરણપૂર્વક આપને ધન્યવાદ આપું છું." એવી રીતે ખેંગારજીએ રણમલ્લનો યોગ્ય શબ્દોવડે આભાર માનીને પછી પોતાના શ્વસુર જાલિમસિંહજીને સંબોધીને કહ્યું કે: "વડિલશ્રી, અત્યારે અમો આપના આશ્રિત છીએ અને તેથી આપ જે માર્ગ દર્શાવો તે માર્ગનું અવલંબન કરવાને તૈયાર છીએ. ત્યારે હવે દર્શાવો કે આપ વડિલનો આ વિષયમાં શો અભિપ્રાય છે ?"

"આપ અત્યારે મારા અતિથિ છો તેમ જ જામાતા થયા છો એટલે આપના જીવનનું સર્વ પ્રકારે સંરક્ષણ કરવું, એ મારો તથા મારા આપ્તજનોનો તેમજ મારા પ્રજાજનોનો પરમ ધર્મ હોવાથી જો રાવળના તે સૈનિકો અહીં આવશે, તો અમો તેમની સાથે તુમુલ યુદ્ધ કરીશું અને પ્રસંગ આવતાં રણયજ્ઞમાં આનંદથી પ્રાણુનું બલિદાન આપીશું; પણ આ દેહમાં પ્રાણ છે ત્યાં સૂધી તો આપને શત્રુઓના હાથમાં જવા નહિ દઈએ તે નહિજ દઈએ." જાલિમસિંહે પોતાની વીરતા તથા નિર્ભયતાનું વાણીદ્વારા દર્શન કરાવ્યું.

"પરંતુ મારો એવો અભિપ્રાય નથી; કારણ કે, ધારો કે કદાચિત્ ધીંગાણું થાય અને તેમાં હારીને રાવળના સૈનિકો પાછા ચાલ્યા જાય, તો પણ અમારે અમદાવાદ તો જવાનું જ છે; કારણ કે, જો અમદાવાદના સુલ્તાનની સહાયતા ન મળે, તો કચ્છનું રાજ્ય ખેંગારજી બાવાથી પાછું લઈ શકાય તેમ નથી. અર્થાત્ જ્યારે અમદાવાદ ગયા વિના તો અમારે છૂટકો છે જ નહિ, તો પછી આ અકારણ યુદ્ધ શામાટે કરવું અને આપણાં થોડાંઘણાં માણસોની હાનિ પણ શામાટે કરાવવી વારુ ? આમ કદાચિત્ બે દિવસ પછી અહીંથી પ્રયાણ