પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
કચ્છનો કાર્તિકેય

ત્યાં બોલાવીશ; કારણ કે, હવે મને પણ તારા સમાગમ વિના ગૃહ સ્મશાનતુલ્ય જ ભાસશે. અસ્તુઃ: હવે વાર્તાલાપમાં વીતાડી શકાય તેટલો સમય અત્યારે આપણી પાસે નથી. પ્રણામ, પ્રાણેશ્વરી, પ્રણામ !”

"પ્રણામ, મારા હૃદયવિશ્રામ, આ દીન દારના સહસ્ત્ર વાર સ્વીકારી લેજો પ્રણામ ! !” નન્દકુમારીએ નેત્રમાં નીર લાવીને સદ્‌ગદિત સ્વરથી આ શબ્દો ઉચ્ચાર્યા.

ખેંગારજીનાં નયનોમાંથી પણ અશ્રુની ધારા વહી નીકળી, પરંતુ હૃદયને વજ્ર કરતાં પણ કઠિન કરીને અધિક કાંઈ પણ ન બોલતાં તત્કાળ તે ત્યાંથી ચાલતો થઈ ગયો.

ખેંગારજીના ચાલ્યા જવા પછી નન્દકુમારી હૃદય ભરાઈ આવવાથી ખેદપૂર્વક અશ્રુપાત કરવા લાગી અને તેના આ કલ્પાંતને જોઈને તેની દાસી તેને વાયુ ઢોળતી યોગ્ય શબ્દોમાં આશ્વાસન આપવા લાગી. નન્દકુમારીના મુખમાંથી એવા ઉદ્‌ગાર નીકળ્યા કે:—

"પરદેશીના પ્રેમનો, વિષમ વિકટ છે પંથ;
પ્રમદા પરણીને ત્યજી, ક્યારે મળશો કંથ !”

ખેંગારજી જ્યારે જાલિમસિંહની ડેલીમાં આવ્યો, તે વેળાયે જાલિમસિંહજી એકલો જ તેની વાટ જોઈને ઊભો હતો એટલે તેણે ખેંગારજીને કહ્યું કે “ચાલો, પાદરમાં વાહનો તૈયાર છે અને કુમાર સાયબજી તથા છચ્છર પણ ત્યાંજ વૈરિસિંહ સાથે આગળથી જઇને આપની વાટ જોતા ઊભા છે. માત્ર ગઢવી દેવભાનુ વિના ગ્રામના અન્ય કોઈ પણ મનુષ્યને આપના આ અચાનક પ્રયાણની વાર્તા જણાવવામાં આવી નથી.”

શ્વસુર તથા જામાતા ત્યાંથી ચાલીને ગ્રામના પાદરમાં આવ્યા એટલે ત્યાં પોતાનો કૄષ્ણ અશ્વ તથા બે ઊંટ સુસજિજત અવસ્થામાં પ્રવાસ માટે તૈયાર થઈને ઊભેલા ખેંગારજીને દેખાયા. ખેંગારજી પોતે પોતાના અશ્વપર બેઠો, એક ઊંટ પર સાયબજી તથા છચ્છર બેઠા અને જે બે મનુષ્યો તેમને અમદાવાદ સુધી પહોંચાડવાને જવાના હતા તેઓ બીજા ઊંટ પર બેઠા. એ બે મનુષ્યોમાંનો એક રણમલ્લ હતો અને બીજો તેનો ભત્રીજો હતો. ઉષ:કાળ વીતી ગયો હતો અને પ્રભાત થવામાં અધિક વિલંબ નહોતો એટલે ચાલવાની તૈયારી કરવામાં આવી; પણ ખેંગારજીએ પોતા પાસેની એક હજાર કોરીમાંથી કોરી બસેં કાઢીને ગઢવી દેવભાનુને આપતાં કહ્યું કેઃ “ગઢવીજી, અત્યારે અમારી વેળા ન હોવાથી આ ફૂલ નહિ ને ફૂલની પાંખડી જે કાંઈ