પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન

અમો આપીએ છીએ તે સ્વીકારશો અને એવા આશીર્વાદ આપતા રહેશો કે આપનો યોગ્ય સત્કાર કરવાનો અવસર પરમાત્મા અમને સત્વરજ આપે ”

“જાડેજાવંશભૂષણ, ધન્ય છે આપની ઉદારતાને ! પણ અન્નદાતા, અત્યારે હું આ લાભની આશાથી અહીં આવ્યો નથી, કિંતુ કેવળ આપને આશીર્વાદ આપવા માટે જ આવ્યો છું. આપ ધર્માત્મા છો એટલે પરમાત્મા અવશ્ય આપનો વિજય કરશે, એ નિશ્ચયપૂર્વક માનજો. આ કોરી બસેં હાલ તરત સાથે લેતા જાઓ; કારણ કે, અત્યારે આપને એ સાધનની આવશ્યકતા છે. જયારે પરમાત્મા આપનો સારો સમય લાવે, ત્યારે આનાથી દશગણી દક્ષિણા આપશો તો તેનો આ ગઢવી આનંદથી સ્વીકાર કરશે.” આ પ્રમાણે બોલીને ગઢવીએ કોરી પાછી આપવાનો પ્રયત્ન કર્યો.

પરંતુ ખેંગારજીએ તેનો અસ્વીકાર કરીને કહ્યું કેઃ “ગઢવીજી, આપ્યાં દાન પાછાં લેવાતાં નથી, માટે આ કોરી રાખો અને સમય આવશે, ત્યારે આનાથી દશગણું તો શું પણ પચાસ ગણી રકમ હું આપીશ અને ત્યારે જ મારા અંતઃકરણમાં સંતોષ થશે.”

ગઢવી જાણી ગયો કે, ખેંગારજી આપેલી કોરી પાછી લે તેમ નથી એટલે તે વધારે કાંઈ પણ બોલ્યા નહિ અને ત્યાર પછી તરત જ ખેંગારજીએ સર્વને પ્રણામ કરીને પોતાના અશ્વને ચલાવવાનો આરંભ કરી દીધો. અશ્વની પાછળ બે ઊંટ પણ ચાલતા થયા. જાલિમસિંહ તથા વૈરિસિંહ લગભગ અડધા ગાઉ સુધી તેમની સાથે વાત કરતા ચાલ્યા ગયા અને ત્યાર પછી ખેંગારજીના આગ્રહથી ઘેર આવવામાટે પાછા વળ્યા. ખેંગારજી, સાયબજી, છચ્છર, રણમલ્લ તથા રણમલ્લનો ભત્રીજો હવે વાહનોને દ્રુત ગતિથી ચલાવીને અમદાવાદની દિશામાં આગળ વધવા લાગ્યા.

«»«»«»«»


તૃતીય પરિચ્છેદ
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન


જાલમસિંહના ગ્રામમાંથી નીકળેલા ખેંગારજી, સાયબજી, તથા છચ્છર અને તેમના બે અંગરક્ષકો ત્યાંથી નીકળ્યા પછી છઠે દિવસે પ્રભાતમાં સાભ્રમતી (સાબરમતી)ના પશ્ચિમતીરપ્રાંતમાં નિર્વિઘ્ન આવી પહોંચ્યા અને ત્યાં ઊભા રહી સાભ્રમતી નદીના જલપ્રવાહ, ત્યાં સ્નાન