પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
કચ્છનો કાર્તિકેય

આ વેળાયે લગભગ એક પ્રહર જેટલો દિવસ ચઢ્યો હતો એટલે રણમલ્લના ભત્રીજાએ કહ્યું કે: "મહારાજ, એ વિશે આપ ચિન્તા રાખશો નહિ; બહુધા એક અથવા દોઢ પ્રહર જેટલા સમયમાં એટલે કે, મધ્યાન્હ પછી અલ્પ વેળામાં જ હું પાછો અહીં આવી પહોંચીશ." આ પ્રમાણે કહી તે અશ્વ તથા ઊંટને દોરીને જંગલ ભણી ચાલતો થઈ ગયો.

સૂર્યના તાપની પ્રખરતા જો કે ક્ષણે ક્ષણે વધતી જતી હતી, છતાં જે વટવૃક્ષની છાયામાં ખેંગારજી તથા સાયબજી બેઠા હતા, તે સ્થાનમાં વિશાળ વૃક્ષની ઘનચ્છાયાનો વિસ્તાર હોવાથી તથા પશ્ચિમ દિશાના નદીના પ્રવાહપર થઈને આવતા શીતલ વાયુની મંદ લહરી પ્રચલિત હોવાથી એ બંધુદ્વયને સૂર્યના તાપનો લેશ માત્ર પણ ઉત્તાપ થતો નહોતો; માત્ર એટલું જ નહિ, પણ એ સ્થાનમાં ખેંગારજીને શાંતિ તથા વિશ્રાંતિનો એટલો બધો સાક્ષાત્કાર થવા લાગ્યો કે નિદ્રાધીન થવાની ઈચ્છા ન હોવા છતાં, પણ પ્રવાસના પરિશ્રમના યોગે તેનાં નેત્રોમાં નિદ્રાનો આવિર્ભાવ થતાં ને નેત્રો ઘેરાવા લાગ્યાં. તેની આવી અવસ્થાને જોઈને સાયબજીએ કહ્યું કેઃ "જ્યેષ્ઠ બંધુ, તમારી આંખો ઊંઘતી ઘેરાતી હોય એમ જણાય છે; તો જો તમારી ઇચ્છા હોય તો સર્વ ચિન્તાને વિસારી પ્રવાસજન્ય શ્રમના પરિહારમાટે બે ઘડી વિશ્રામ કરો. હું જાગતો બેઠો છું અને આપણી વસ્તુઓની સંભાળ રાખું છું. જ્યારે તમે જાગશો, ત્યારે અવકાશ હશે અને છચ્છર કાકા નહિ આવ્યા હોય, તો હું પણ બે ઘડી આડું પડખું કરીને નિદ્રાનો આસ્વાદ લઈશ."

"પ્રવાસમાં અત્યંત સાવધ રહેવાની આવશ્યકતા હોવાથી અને તેમાં પણ આપણાં શિરપર તો ડગલે ને પગલે સંકટ આવવાનો સંભવ હોવાથી મારી આંખો ઘેરાય છે, છતાં પણ ઊંઘવાની મારી ઇચ્છા થતી નથી, પરંતુ તમો જ્યારે જાગ્રત રહેવાનું કહો છો, એટલે હું બે ઘડી વિશ્રામ લેવાને લલચાઉં છું; પણ સાવધ રહેજો અને જો તમને વધારે ઊંઘ આવતી જણાય, તો મને જગાડીને જ સૂજો; આમને આમ નિદ્રાધીન થશો નહિ." ખેંગારજીએ સાયબજીને આ પ્રમાણે સાવધ રહેવાની યોગ્ય સૂચના આપી અને ત્યાર પછી પરિશ્રમહારિણી નિદ્રાદેવીની ઉપાસનાનો નિશ્ચિન્તતાથી આરંભ કર્યો.

સાયબજી સાવધ રહીને જાગતો બેઠો હતો. સમય પાણીના રેલાની પદે સરી ગયું અને જ્યારે સૂર્ય ગગનમંડળના મધ્યભાગમાં આવ્યા, તે વેળાયે પચીસ વર્ષના વયની એક પરમલાવણ્યમયી