પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
કાપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્ધાર

કે, તારા જેવી પક્ષિણીને પોતાના પિંજરમાંથી સહજમાં છટકી જવા દે, તેવો ભોળો અને નિર્બળ હૃદયનો આ ખાકી બાવો પણ નથી. હવે હું તને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે હું યોગી નહિ, પણ ભોગી છું અને ભોળી ભામાઓને ઠગીને તેમના ધન તથા યૌવનનો યથેચ્છ ઉપભોગ કરવામાટે જ મેં આ ખાકી બાવાને વેશ ધારી લીધો છે. આ કારણથી તેં અત્યારે મારા વિશે જે કાંઈ પણ શબ્દો ઉચ્ચાર્યા છે તે સર્વથા યથાર્થ જ છે. છતાં પણ ઈચ્છાથી કે અનિચ્છાથી તારે તારી આ સુવર્ણમુદ્રાઓ તથા તારા આ મૂલ્યવાન અલંકારોને મારાં ચરણોમાં સમર્પવાં જ પડશે માત્ર એટલું જ નહિ પણ મારી વિકારવાસનાને પણ તૃપ્ત કરવી જ પડશે. અહીંથી હું તને હવે ભ્રષ્ટ કર્યા વિના તો જવા નથી જ દેવાનો. જો મૂક મુખથી તું મારી આજ્ઞાને આધીન નહિ થાય, તો હું બળાત્કારે તને મારી શય્યાભાગિની બનાવીશ; કારણ કે, જેવી રીતે સ્મશાનમાંથી શબ પાછું ઘેર નથી જતું, તેવી જ રીતે અહીં આવેલી અબળાની શુદ્ધતા પણ તેના મૂળ સ્વરૂપમાં ઘેર જઈ શકતી નથી, એવો અહીંનો નિયમ જ છે. આનાકાની કર્યા વિના જ તું મારી ઈચ્છાને વશ થઈશ, તો તારા પ્રાણ બચશે અને નહિ તો તારા સતીત્વના નાશ સાથે તારા જીવનનો પણ નાશ થઈ જશે. હું કાપાલિક હોવાથી માનવહત્યા કરવી એ તો મારો નિત્યનો તથા સાધારણ આચાર છે; જો મારા વચનમાં વિશ્વાસ ન બંધાતો હોય, તો તારા સમક્ષ આ ભીશણ દૃશ્ય તૈયાર છે !”

આ શબ્દો ઉચ્ચારતાની સાથે જ તે ક્રુર કાપાલિકે બે ઓરડાની વચ્ચેની દીવાલમાંના કપાટનાં બારણાંને ઊઘાડી નાખ્યાં અને તે બારણાં ઉઘાડતાં જ તેમાંના એક ભીષણ દૃશ્યપર માધુરીની દૃષ્ટિ પડી. એ દૃશ્યને જોઈને તે અર્ધમૃતા થઈ ગઈ અને ભયથી થરથર કંપવા લાગી. એ કપાટની લંબાઈ અને પહોળાઈ લાંબામાં લાંબા તથા ઉંચામાં ઉંચા મનુષ્ય કરતાં પણ કાંઈક વધારે હોવાથી તેમાં મનુષ્યને સરળતાથી પૂરી શકાય તેમ હતું. અર્થાત્ અત્યારે તેમાં એક તરુણી તથા સુંદર સ્ત્રીનું મૃત શરીર પ્રાકૃત અવસ્થામાં લટકતું હતું અને એ કાપાલિકાના અત્યાચારનો સાક્ષાત્કાર કરાવતું હતું. તે સ્ત્રીને તેના ગળામાં ફાંસો નાખીને મારી નાખવામાં આવી હોય અથવા તો મારી નાખ્યા પછી ગળામાં ફાંસો નાખીને આવી રીતે લટકાવવામાં આવી હોય, એવું તેને જોવાથી અનુમાન કરી શકાતું હતું. તે મૃતદેહને બતાવતો ક્રૂર કાપાલિક માધુરીને સંબોધીને કહેવા લાગ્યો કે:—