પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
કચ્છનો કાર્તિકેય

સૂકા લાકડાના જે ત્રણ ચાર ગંજ ખડકી રાખ્યા હતા તેમાંથી મોટાં મોટાં લાકડાં કાઢીને છચ્છર તથા રણમલ્લે જોતજોતાંમાં એક ચિતા ત્યાંથી કેટલાક અંતરપર ખડકી દીધી અને કાપાલિકના શબને તે ચિતાપર રાખી તેમાં અગ્નિ પ્રકટાવી દીધો. મધ્યનિશા થવા પૂર્વે તો કાપાલિકનું મૃતશરીર ભસ્મીભૂત થઈને હતું નહોતું થઈ ગયું. ચિતાભસ્મને તત્કાળ આમ તેમ વિખેરી નાખવામાં આવી અને ત્યાંની ભૂમિને એવી તો સ્વચ્છ કરી નાખવામાં આવી કે ત્યાં ચિતા પ્રકટાવવામાં આવી હતી એવી કોઈના મસ્તિષ્કમાં કલ્પના માત્ર પણ ન આવી શકે. એ કાર્યની સમાપ્તિ પછી ખેંગારજી, છચ્છર તથા રણમલ્લ કાપાલિકની પર્ણકુટીમાંના ભૂગર્ભમાંના ગુપ્ત સ્થાનમાં દીપક લઈને ઊતર્યા અને સાયબજી તથા રણમલ્લનો ભત્રીજો બહાર જ દેખરેખમાટે પર્ણ કુટીની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા.

તે ભૂગર્ભવાસમાં પ્રથમ તો નિર્દયતાથી કાપાલિકના હસ્તથી મરાયેલાં અનેક નિર્દોષ મનુષ્યનાં અસ્થિઓનો એક મહાન્ રાશિ પડેલો તેમના જોવામાં આવ્યો અને તેને જોઈને તેમના હૃદયમાં ત્રાસ, શોક તથા સંતાપયુકત ધિક્કાર છૂટવા લાગ્યો. એક મહાપાપિષ્ઠ, નિર્દય તથા કાળસ્વરૂ૫ કાપાલિક નરપિશાચના અસ્તિત્વને મટાડી અસંખ્ય જનોને ભયમુક્ત કરવાનું પુણ્ય કિંવા શ્રેય આજે પોતાને પ્રાપ્ત થયેલું હોવાથી ખેંગારજી પોતાને ધન્ય તથા ભાગ્યશાળી માનવા લાગ્યો અને છચ્છર તથા રણમલ્લ પણ તેને તેના એ પરોપકારમય વીરકૃત્યમાટે અનેકશઃ ધન્યવાદ આપવા લાગ્યા. મનુષ્યાસ્થિના આવા વિશાળ રાશિને જોતાં પ્રથમ તો તેમનો એવો જ અભિપ્રાય બંધાયો હતો કે કાપાલિકનો ધનભંડાર એ અસ્થિઓની નીચે હોવાથી અસ્થિના રાશિને દૂર કર્યા વિના તે દૃષ્ટિચર થવાનો નથી; પરંતુ એટલામાં તેમને એમ જણાયું કે ઉપરના ભાગમાં જેવા બે ઓરડા હતા તેવા જ નીચેના ભાગમાં પણ બે ઓરડા હતા; તેમાંના એક અસ્થિરાશિવાળા ઓરડામાં અત્યારે તેઓ ઊભા હતા અને બીજા ઓરડામાં જવાનું દ્વાર તેમની સામે જ હતું. તે દ્વાર જોકે વાસેલું હતું, પરંતુ સાંકળ કે તાળાથી વાસેલું નહોતું એટલે ત્યાંના થોડાંક અસ્થિઓને ખસેડીને તેમણે તે દ્વારને ઉધાડી નાખ્યું અને તે બીજા એરડામાં પ્રવેશ કર્યો. તે ઓરડાના મધ્યભાગમાં પાષાણનો જાણે ચતુષ્કોણ ઓટલો જ કરેલ હોયની ! એવા આકારનો પાષાણનો બનાવેલો એક વિશાળ મંજૂષ અથવા પટારો પડેલો તેમના જોવામાં આવ્યો કે જે મંજૂષને મજબૂત તાળાથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ચાર