પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
બન્ધુ મિલન અને ગુપ્ત ધનભંડાર

ખૂણામાં બીજી ચાર પેટીઓ લોઢાની બનાવેલી પડી હતી અને તે અડધી જમીનમાં દાટેલી હોવાથી કોઈથી પણ તરત ઉપાડી શકાય તેમ નહોતું. એ સઘળી પેટીઓને પણ તાળાં વસેલાં હતાં. દીપકને પાષાણુમંજૂષાપર મૂકીને હવે એ મજબૂત તાળાને ઉઘાડવાં કેવી રીતે ? ચાવીઓનો શોધ કરવો કે તાળાંને તોડી નાખવાં એ વિશેનો તેઓ પોતપોતામાં વિચાર કરવા લાગ્યા. એટલામાં તો ઓરડાની સામેની ભીંતપરના એક શિલાલેખપર ખેંગારજીની દષ્ટિ પડી અને તેથી કૌતુક થતાં દીપકને હાથમાં લઈ તે દીવાલ પાસે જઈને તેણે તે શિલાલેખના આશયને જાણવાનો પ્રયત્ન કર્યો; પરંતુ તે શિલાલેખ તેની ભાષા તથા લિપિ વિલક્ષણ હોવાથી તેનાથી વાંચી શકાયો નહિ. અંતે તેઓ તે પેટીઓનાં તાળાને તોડી નાખવાના અને સંપત્તિસાથે દીવાલમાંના તે શિલાલેખને પણ કાઢીને લઈ જવાના નિશ્ચય પર આવ્યા અને છચ્છર ઉપર જઇને તાળાં તોડવાનાં સાધનો લઈ આવ્યો એટલે તત્કાળ તે મંજૂષ તથા પેટીઓનાં તાળાં તે સાધનોવડે તૂટી જતાં તેમનો એ પ્રત્યવાય દૂર થઈ ગયો.

પ્રથમ તેમણે પાષાણના મંજૂષને ઊઘાડ્યો અને તેમાંની વસ્તુઓને જોઈને તેઓ સર્વથા આશ્ચર્યચકિત તથા દિગ્મૂઢ થઈ ગયા. તે પાષાણમંજૂષમાં દેવાધિદેવ મહાદેવની સમસ્ત સુવર્ણની બનાવેલી એક અર્ધપ્રતિમા હતી અને તેને જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે તે પ્રતિમાનાં નેત્રો, તેની જટામાં વિરાજતી ગંગાનાં નેત્રો, તેના ગળામાં લપટાયેલા ભુજંગોનાં નેત્રો અને મસ્તકવિભાગમાંના ચંદ્રનો સમસ્ત ભાગ નાનાવિધ રત્નોવડે ખચિત (જડેલાં) હતાં અને તે રત્નોના ચમકાટનો દીપકના પ્રકાશ સાથે મિશ્રભાવ થતાં ત્યાં એક પ્રકારના વિલક્ષણ પ્રકાશનો વિસ્તાર થઈ રહ્યો. એ પ્રતિમા પોલી નહિ, પણ પીન (નક્કર) હોવાથી ઓછામાં ઓછું પણ તેનું વજન દોઢ મણ જેટલું હોવું જોઈએ, એવું સાધારણ અનુમાન કરી શકાતું હતું. મહાદેવની એ અર્ધપ્રતિમાનો કોઈ ઉત્સવને દિવસે પાલખીમાં બેસાડીને દર્શન કરાવવાના પ્રસંગે ઉપયોગ થતો હોવો જોઇએ, એવી તેમણે કલ્પના કરી લીધી. એ ઉપરાંત તે પાષાણમંજુષમાં અષ્ટભૂજા દેવીની પણ એક લઘુ સુવર્ણપ્રતિમા હતી અને તેમાં પણ નાનાવિધ રત્નો બહુ જ સારી સંખ્યામાં જડવામાં આવ્યાં હતાં; તેમ જ રત્નજડિત સુવર્ણના કેટલા અલંકારો પણ તેમાં હતા. લોઢાની જે ચાર પેટીઓ હતી તેમાંની એક પેટીમાં આકંઠ સુવર્ણમુદ્રાઓ ભરેલી હતી, બીજી પેટીમાં આકંઠ રજતમુદ્રાઓ ભરેલી હતી, ત્રીજી પેઢીમાં સોનાની લગડીઓ