પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
કચ્છનો કાર્તિકેય

ભરેલી હતી અને ચોથી પેટીમાં તાલપત્રપર લખેલાં તંત્રવિદ્યા તથા મંત્રવિદ્યાનાં કેટલાંક જીર્ણ પુસ્તકો ભરેલાં હતાં તેમ જ મનુષ્યની બે ખોપરીઓ, બાહુ તથા એવા જ અન્ય મૃત મનુષ્યના અસ્થિમય અવયવો પડેલા હતા. એ ધનભંડારને જોઈને આપણા કથાનાયક ખેંગારજીના હૃદયમાં શોક તથા હર્ષની મિશ્ર ભાવનાઓ ઉદ્‌ભવવા લાગી.

ખેંગારજીએ છચ્છરને ઉદ્દેશીને કહ્યું કેઃ "ભાઈ છચ્છર, દુષ્ટ કાપાલિકે આ સર્વ સંપત્તિ અનેક મનુષ્યોના કપટથી ઘાત કરીને આ સ્થાનમાં એકત્ર કરી છે તેથી આ સંપત્તિ દૈવી સંપત્તિ નહિ, કિન્તુ આસુરી સંપત્તિ છે, એ તો સર્વથા નિર્વિવાદ વાર્તા છે અને તેથી આવી સંપત્તિનો ઉપયોગ કરવો એ જો કે યોગ્ય નથી; છતાં આપણો અત્યારે સારો સમય ન હોવાથી અને આપણે જે કાર્યની સિદ્ધિમાટે આ દેશમાં આવ્યા છીએ તે કાર્યની સિદ્ધિમાં ધનની અત્યંત આવશ્યકતા હોવાથી અત્યારે તો આ સંપત્તિનો ઉપયોગ કર્યા વિના આપણો છૂટકો જ નથી; પરંતુ જ્યારે આપણો સારો સમય આવશે, ત્યારે એટલી જ સંપત્તિનો ધર્મદાનમાં આપણે વ્યય કરીશું એટલે મારી માન્યતા છે કે આ સંપત્તિના ઉપયોગથી આપણું કાંઈ પણ અનિષ્ટ થશે નહિ. અસ્તુ: પરંતુ જો આ સંપત્તિ આ સ્થાનમાં જ રહે, તો તો તે આપણામાટે કશા પણ ઉપયોગની થઈ શકે નહિ, એટલે હવે આ સંપત્તિને આપણે અધિકારમાં લઈ લેવાનો શો પ્રયત્ન કરવો, એનો જ અત્યારે આપણે સર્વથી પ્રથમ વિચાર કરવાનો છે."

એના સમાધાનકારક નિર્ણયના માર્ગને દર્શાવતો છચ્છર કહેવા લાગ્યો કે: "અન્નદાતા, એ વિશે આપ લેશ માત્ર પણ ચિંતા રાખશો નહિ. આપ આવતી કાલે નગરમાં નિવાસ કરવામાટે આનન્દથી ચાલ્યા જજો અને હું તે કાપાલિકના શિષ્ય તરીકે સાધુના વેષમાં અહીં જ રહીશ. આપ સર્વ નિત્ય અહીં અમસ્તા ફરવામાટે આવ્યા કરજો અને હું એ સંપત્તિનો જે થોડો ભાગ બહાર કાઢી રાખું તે સાથે લેતા જજો એટલે કોઈના મનમાં કશી શંકા પણ નહિ આવે અને ધીમે ધીમે આ સર્વ સંપત્તિ આપણા ગૃહમાં પહોંચી જશે. રોકડ સંપત્તિ તથા રત્નખચિત અલંકારો આપણા ગૃહમાં પહોંચી ગયા પછી આ મૂર્તિઓને તથા ગ્રંથોને પણ અન્ય કોઈ યુક્તિથી આપણે અહીંથી ઉપાડી જઇશું. રાજાને કોઈ પણ પ્રકારની સંપત્તિના ઉપયોગનો નિષેધ હોતો નથી અને તેમાં પણ વળી જો પરમાત્માની ઇચ્છા ન હોત, તો અચાનક આટલી બધી સંપત્તિ આપના અધિકારમાં આવત જ નહિ; અર્થાત્ પરમાત્માએ આ સંપત્તિ આપના