પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
અહમ્મદાબાદમાં નિવાસ

પણ વસ્તુમાટે મુંઝાશો નહિ અને લેશ માત્ર પણ દુ:ખ ભોગવશો નહિ; કારણ કે, પરમેશ્વરે આપણને અનાયાસ સર્વ સાધનો મેળવી આપ્યાં છે એટલે પરમાત્મામાં શ્રદ્ધા રાખીને આપણી યોગ્યતા તથા પદવી પ્રમાણે વર્તવું એ જ આપણું કર્તવ્ય છે."

અસ્તુઃ એ પછીના પાંચ સાત દિવસો તો એમના એમ વીતી ગયા; પરંતુ ત્યાર પછી એવા ઉદ્દેશહીન તથા વ્યવસાયહીન જીવનનો ખેંગારજીને કંટાળો આવવા લાગ્યો અને તેથી તેણે પોતાના બંધુ સાયબજીને એક દિવસ કહ્યું કે: "ભાઈ, આપણે ક્ષત્રિય રાજાના કુમારો હોવાથી આવી રીતે ઘરમાં ને ઘરમાં હાથ પગ બાંધીને બેસી રહીએ અથવા તે નગરમાં આંટા માર્યા કરીએ, એ તે આપણા માટે યોગ્ય ન જ કહેવાય. અર્થાત્‌ અચાનક આપણે આ અહમ્મદાબાદ જેવા ગુજરાતના પાટનગરમાં આવ્યા છીએ, તો અહીંથી જે કાંઈ પણ વિદ્યા અને કળા આપણને પ્રાપ્ત થવાનો સંભવ હોય, તે ક્ષત્રિયોચિત વિદ્યા અને કળાની પ્રાપ્તિનો ઉચિત પ્રયત્ન આપણે કરવો જોઈએ. તેમ જ મૃગયા, શસ્ત્રાસ્ત્રસંચાલન, શરસંધાન અને મલ્લવિદ્યા આદિના અભ્યાસની પણ વૃદ્ધિ કરવી જોઈએ; કારણ કે, ભવિષ્યમાં આપણા શિરપર યુદ્ધ, રાજ્યશાસન તથા પ્રજપાલન ઇત્યાદિ પ્રસંગો આવવાના છે અને તેથી જો આ વીરવિદ્યામાં આપણે નિષ્ણાત થયેલા ન હોઈએ, તો તે પ્રસંગોમાંથી નિર્વિધ્ન અને યોગ્યતા પૂર્વક પાર ન પડી શકીએ, એ સર્વથા સ્વાભાવિક જ છે. મારા સાંભળવામાં આવ્યું છે કે સુલ્તાને બોલાવેલા જેસલમેરના ભટ્ટી નામક રાજપૂત જાતિના જયચંદ્ર તથા દેવચંદ્ર નામક બે મલ્લારાજોનો એક અખાડો અમદાવાદમાં છે અને ત્યાં તે બન્ને મલ્લબંધુઓ પોતાના શિષ્યોને મલ્લવિદ્યાનાં ભિન્ન ભિન્ન અંગોનું બહુ જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપે છે એટલે મારો પણ એવો વિચાર થયો છે કે આપણે તે મલ્લોના શિષ્ય થઈને તેમના અખાડામાં પ્રવેશ કરીએ અને ત્યાં તેમની વિદ્યાનો પદ્ધતિપુર:સર અભ્યાસ કરવા માંડીએ. મલ્લવિધાના અભ્યાસ ઉપરાંત આપણને જે અવકાશનો સમય મળશે તેનો આપણે મૃગયા આદિમાં વ્યય કરીશું અને તેથી આપણી શૂરતા તથા વીરતાનો નિત્ય વિશેષ અને વિશેષ વિકાસ થતો રહેશે. સુલ્તાન બેગડાના દરબારમાં આપણો માનપૂર્વક સત્કાર થાય તે પ્રસંગ ક્યારે આવશે, એને કશો નિશ્ચય ન હોવાથી મળેલા સમયનો સદુપયોગ કરી લેવો, એ જ આપણી બુદ્ધિમત્તા છે."

"જ્યેષ્ઠ ભ્રાતા, આપનો આ અભિપ્રાય સર્વથા માન્ય કરવા યોગ્ય અને પ્રસંગોચિત હોવાથી એમાટેની મારાથી ના પાડી શકાય