પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
કચ્છનો કાર્તિકેય

શાંત તથા ગંભીર ભાવથી કહેવા લાગ્યો કેઃ “ભાઈ ખેંગારજી, આપના વિચારો જો કે એક વીર ક્ષત્રિયકુમારને શોભાવે તેવા જ છે; છતાં પણ આ સાહસકર્મમાં પ્રવૃત્ત થવામાટે અનુકૂળ અભિપ્રાય હું આપને આપી શકતો નથી; કારણ કે, એ સિંહ એવો તો ક્રૂર, વિકરાળ અને મરણિયો છે કે બંદૂકમાંથી વર્ષતા ગેળીઓના વર્ષાદની પણ ભીતિ રાખતો નથી અને મનુષ્યને જોતાની સાથે જ ઉન્મત્ત થઈને તેના શરીર પર તૂટી પડે છે; એટલામાટે જો આ સાહસ કરવા જતાં ક્યાંક આપના પ્રાણની હાનિ થઈ જાય, તો લેવાના દેવા થઈ પડે અને 'ક્યાં ગયા હતા તો કહે ક્યાંય નહિ' એ પ્રમાણનો ઘાટ આવીને ઊભો રહે. અર્થાત્ જો અન્ય કોઈ પ્રસંગે શૌર્ય બતાવો, તો તે એક જુદી વાત છે; આ પ્રસંગ શૌર્યને દર્શાવવાનો નથી. આપે હજી જામ રાવળ પાસેથી પિતૃહત્યાના વૈરનો બદલો લેવાનો છે અને કચ્છ રાજ્યના સિંહાસનને દીપાવવાનું છે, એનું કદાપિ વિસ્મરણ ન થવા દ્યો અને આવા સાહસમાં પડવા પૂર્વે કાંઈક વિચાર કરો.”

“પૂજ્ય ભ્રાતા, આપનો આ ઉપદેશ જો કે યોગ્ય છે, છતાં પણ મારે એટલું તો કહેવું જ જોઈએ કે મરણના ભયથી જો ક્ષત્રિયો આવા સાહસમાં પ્રવૃત્ત થતા અટકી જાય, તો પછી તેઓ શત્રુ સાથેના ભયાનક યુદ્ધમાં પ્રાણોપર ઉદાર થઈને કેવી રીતે ઝૂંઝી શકે, એ એક પ્રશ્ન છે ? શૌર્ય દર્શાવતાં જો મરણ આવે, તો તે ક્ષત્રિયોમાટે તો એક અલૌકિક ગૌરવનો વિષય મનાય છે, એ આપ નથી જાણતા કે શું ? એ મારા ભાગ્યમાં આપણા જનકની હત્યાના વૈરનો શત્રુ પાસેથી બદલો લેવાનો તથા કચ્છરાજ્યના સિંહાસનને શોભાવવાનો યોગ લખાયેલો હશે, તો સિંહને મારવાના આ સાહસકર્મમાં મારો વાળ પણ વાંકો થવાનો નથી અને અવશ્ય મારો વિજય થશે, એ આપે નિશ્ચયપૂર્વક માની લેવાનું છે; જો મરણ થવાનું હશે, તો તે કોઈ પણ નિમિત્તે થશે જ; કારણ કે, કાળના આઘાતને અટકાવવાનું સામર્થ્ય કોઈમાં છે જ નહિ. વળી ધારો કે, કદાચિત્ મારું મરણ થઈ જાય, તે પણ સાયબજી તથા રાયબજી શત્રુ પાસેથી વૈરનો બદલો લેનાર જીવતા બેઠા છે એટલે એ વિષયથી પણ મારે અધિક ચિન્તા રાખવાની નથી. મારાં પત્નીએ પણ મને આ સાહસકર્મમાં પ્રવૃત્ત થઈને ભાગ્ય પરીક્ષા કરવાની અનુમતિ આપી દીધી છે એટલે હવે માત્ર આપની અનુમતિની જ આવશ્યતા છે.”

ખેંગારજીની આવી દૃઢતાને જોઈને અલૈયાજીએ જાણી લીધું કે ખેંગારજી કોઈ પણ ઉપાયે પોતાના નિશ્ચયથી ચળે તેમ નથી અને