પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
કચ્છનો કાર્તિકેય

પોતાની સંપત્તિ તથા ચાર હજાર સૈનિકોને લઈને જામ રાવળ કચ્છમાંથી નૌકામાં બેસીને સમુદ્રના સામે કાંઠે જવામાટે પ્રયાણ કરી ગયો અને તેના પ્રયાણથી કચ્છદેશનો રાજ્યાધિકાર કોઈ પણ પ્રકારના અન્ય વિઘ્ન વિના ખેંગારજીના હસ્તમાં આવી ગયો. ખેંગારજીએ સૈન્ય સહિત લાખિર વિયરાની દિશામાં ગમન કર્યું.

⇚~•~•~•~⇛
ત્રયોદશ પરિચ્છેદ
રાજ્યાભિષેક અને કૃતજ્ઞતા

લાખિર વિયરામાં આવીને પ્રથમ તો ખેંગારજીએ પોતાના પરલોકવાસી પિતા જામ હમ્મીરજી તથા પોતાની સતી થયેલી માતાઓનાં સમાધિમંદિરો તેમના નામનું સ્મરણ રાખવામાટે અને પોતાના પૂજ્યભાવને વ્યક્ત કરવામાટે બંધાવ્યાં અને ત્યાર પછી ત્યાં છ માસે રાજ્યાભિષેકમહોત્સવ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો. રાજયાભિષેકમહોત્સવને છ માસ પછી ઊજવવાની વ્યવસ્થા એટલામાટે કરવામાં આવી હતી કે તેટલા કાલાવધિમાં ખેંગારજી તથા સાયબજીપર તેમના સંકટકાળમાં જે જે મનુષ્યોએ ઉપકાર કર્યા હતા તે સર્વને તેમનાં દૂરના નિવાસસ્થાનોમાંથી બોલાવી શકાય અને કૃતજ્ઞતા શી વસ્તુ છે તેનો તેમને સાક્ષાત્કાર કરાવી શકાય. અર્થાત્ અહમ્મદાબાદના સુલ્તાન બેગડા તથા કમાબાઈપર આમંત્રણપત્રિકાઓ મોકલી આપવામાં આવી; તેમ જ ભીંયા કક્કલ, ગોરજી માણેકમેરજી, જે બાઈએ જમાડીને કૃષ્ણ અશ્વ આપ્યો હતો તે બાઈ અને તેના પરિવાર, ધ્રાંગધરાના વ્યાપારી કે જેણે થોડા પૈસા આપ્યા હતા, જાલિમસિંહ અને તેનો પરિવાર તથા તેની પ્રજા અને અહમ્મદાબાદની સતી વૈશ્યવનિતા માધુરી તથા તેના પતિ ઇત્યાદિને આગ્રહપૂર્વક લઈ આવવામાટે દૂતોને રવાના કરવામાં આવ્યા અને લાખિર વિયરામાં રાજ્યાભિષેકમહોત્સવની ધીમે ધીમે પ્રચંડ તૈયારીઓ ચાલવા લાગી. છચ્છર તથા શિવજી લુહાણો તો રાવ ખેંગારજીની સાથે જ હતા એટલે તેમને આમંત્રણ આપવાની આવશ્યકતા નહોતી.

અસ્તુઃ કચ્છની પ્રજાનો તો ખેંગારજીમાં પ્રથમથી જ પૂર્ણ ભક્તિભાવ તથા સ્નેહ હતો એટલે પ્રજામાં તેના આગમનથી કોઈ પણ પ્રકારનો અસંતોષ ન હોવાથી ઊતાવળથી કાઈ પણ પ્રકારની વિશિષ્ટ વ્યવસ્થા કરવાની અગત્ય નહોતી એટલે લાખિર વિયરામાં લગભગ એક માસ જેટલો કાળ વિશ્રાંતિમાં વિતાડી દીધા પછી નિરુદ્યોગી જીવનનો ખેંગારજી તથા સાયબજીને કંટાળો આવવા લાગ્યો અને તેથી