પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
કચ્છનો કાર્તિકેય

છું કે, આપને પોતાના પ્રાણનો ગમે તેવો ઉપયોગ કરવાની પૂર્ણ સ્વતંત્રતા હોવા છતાં મારા સૌભાગ્યનો સંહાર કરવાનો કે મારા પુત્રોને પિતૃહીન કરી નાખવાનો લેશ માત્ર પણ અધિકાર નથી. હું આપની અર્ધાંગના છું અને તેથી મારી સંમતિ વિના અપાયલું આપનું વચન અર્ધવચન છે. અર્થાત્ ત્યાં આપને જવા દેવા કે ન જવા દેવા, એની અર્ધ સત્તા મારા હાથમાં છે અને મારી સત્તાને ગમે તે રીતે ઉપયોગ કરવાની મને પૂર્ણ સ્વતંત્રતા છે. કેમ ધર્મપિતા, હું અયોગ્ય તો નથી બોલતી ને ?" રાણીએ વિચિત્ર વાદ ઉપસ્થિત કરીને પ્રધાનનો અભિપ્રાય પૂછ્યો.

"યોગ્ય કથનને મારાથી અયોગ્ય કેમ કરીને કહી શકાય વારુ ?" પ્રધાને રાણી અનુકૂલ અભિપ્રાય આપ્યો.

"પ્રધાનજી, તમે પણ ચાલતી ગાડીમાં બેસી ગયા કે ?" હમ્મીરજીએ કટાક્ષપૂર્વક કહ્યું.

"મહારાજનું જેમાં હિત સમાયેલું હોય, તેવો જ અભિપ્રાય આપવો એ પ્રધાનનો પરમ ધર્મ છે," ભૂધરશાહે વિનયથી કહ્યું.

"ત્યારે પ્રધાનજી, તમારો આંતરિક અભિપ્રાય શું છે વારુ ?" હમ્મીરજીએ આગ્રહપૂર્વક પૂછ્યું.

"મારો તો એજ અભિપ્રાય છે કે આવી રીતે રાવળજીના ગામમાં જવું સારું નથી. ગમે તેવો શાંત પણ સર્પ છે-રાવળ આપણો પુરાણો શત્રુ છે. મને તો અવશ્ય કાંઈ પણ પ્રપંચનો જ આમાં રંગ દેખાય છે. રાવળ મહાકપટી છે અને આપ એક ભોળા રાજા છો. નદી, નખવાળાં પશુ, શૃંગધારી પશુ, શસ્ત્રધારી મનુષ્ય, સ્ત્રીજન અને પ્રતિસ્પર્ધી રાજામાં વિશ્વાસ ન જ રાખવો એવી નીતિશાસ્ત્રની આજ્ઞા છે, એ અવશ્ય આપે સ્મરણમાં રાખવું જોઈએ. આપ સુજ્ઞ હોવાથી આપને વિશેષ શું કહેવાનું હોય વારુ ?" ભૂધરશાહે એક રાજનીતિજ્ઞ પ્રધાનના મુખમાંથી નીકળવો જોઈએ તેવો યોગ્ય ઉપદેશ આપતાં કહ્યું.

જે મનુષ્ય કપટી અને મેંઢો હોય છે, તે બહુ જ શાંત અને સહનશીલ પણ હોય છે; પરંતુ ભોળા અને સત્યવાદી મનુષ્યનો સ્વભાવ કાંઈક ઉગ્ર અને અસહનશીલ હોય છે, એ એક વિશ્વમાન્ય સત્ય છે. એ પ્રમાણે હમ્મીરજી ભોળો અને સત્યવાદી રાજા હોવાથી કાંઈક ઉગ્ર સ્વભાવનો હતો અને તેથી હવે તે પોતાના ધૈર્યને ત્યાગી સ્વતંત્રતાનું દર્શન કરાવીને કહેવા લાગ્યો કેઃ "હું તો વચન આપી ચૂક્યો છું એટલે હવે ગમે તે થાય, તો પણ ત્યાં જવા વિના મારો છૂટકો જ નથી. જે થવાનું હશે, તે થશે. રાજાનું પોતાનું જ વચન જો વ્યર્થ જાય,