પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ

તેમ તેમ રાજ્યની સ્થિતિમાં પણ પરિવર્તન થતું ગયું અને ગ્રામોની સંખ્યામાં દિવસે દિવસે વધારે થતો ગયો.

અકબરના સમયમાં કચ્છ દેશ સિંધપ્રાંતની સાથે જ ગણાતો હતો. પ્રોફેસર્ લૅસને[૧] કચ્છના લોકોને 'ઔદુંબર' નામ આપેલું છે અને તે જ પ્રમાણે પ્લીની [૨] પણ પોતાના ગ્રંથમાં 'ઔદુંબરીય' શબ્દનો ઉલ્લેખ કરી ગયો છે. પરંતુ અત્યારે એ દુંબર કિવા 'દુંબરીય શબ્દનો કિંવા તેના કોઈ અપભ્રષ્ટ રૂપનો કચ્છમાં ક્યાંય પ્રચાર જોવામાં આવતો નથી. પ્રાચીન ભૂગોલવેત્તાઓના અભિપ્રાય પ્રમાણે સાતમી સદ્દીમાં કચ્છ દેશ સિંધુ દેશનો ચતુર્થ પ્રાન્ત હતો અને ઉપર જણાવ્યા પ્રમાણે અકબરના સમયમાં પણ તેનો સિંધમાં જ સમાવેશ થતો હતો. ચીની પ્રવાસી હુએનસંગના સમયમાં કચ્છ દેશ સિંધની રાજધાની અલોડથી નૈર્ઋત્ય કોણમાં ૨૬૭ માઇલપર આવેલો હતો, એમ તેના પોતાના વર્ણનથી જણાય છે. હુએનસંગે કચ્છનું ક્ષેત્રફળ ૮૩૩ માઈલનું લખેલું છે. હવે જો રણની ઉત્તરે આવેલો નગરપારકર નામક પ્રાંત એમાં આવી જતો હોય, તો તો એ ક્ષેત્રફળ સત્ય છે અને એમ હોવાનો સંભવ પણ છે; કારણ કે, પૂર્વે તે પ્રાંતને કચ્છનો એક ભાગ માનવામાં આવતો હતો અને અત્યારે પણ તેમ જ મનાય છે. એની ઉત્તરસીમા જો ઉમરકોટથી આબૂ પર્યન્ત લઈએ તો એકંદર ક્ષેત્રફળ (ઘેરાવો) ૭૦૦ માઈલનું થાય છે. રાજધાની Kietsishifalo નો ઘેરાવો પાંચ માઈલનો હુએનસંગે કહેલો છે. જુલિયન્ એ રાજધાનીનું ખજિશ્વર અને લૅસન્ કચ્છેશ્વર નામ આપે છે; પરંતુ તે કોટેશ્વર હોવું જોઇએ. કચ્છના પશ્ચિમતીરપ્રાંતમાં કોટેશ્વર એક તીર્થસ્થાન છે. તે સિંધુ નદીની પાસે અને સમુદ્રતીરે હતું, એમ હુએનસંગ લખે છે. અત્યારે તે કોરી નામક સિંધુ નદની શાખાના મુખ પાસે આવેલું છે. એ નગરમાં એક શિવાલય હોવાનું હુએને લખ્યું છે અને તે પ્રમાણે અત્યારે ત્યાં અનેક શિવલિંગો જોવામાં આવે છે. આ સર્વ પ્રમાણોથી કચ્છની પ્રાચીનતા અને ઐતિહાસિકતા તેમ જ તેનો સિંધુ દેશ સાથેનો ગાઢ સંબંધ આદિ નિર્વિવાદ સિદ્ધ થાય છે. અસ્તુ.

ઉપર્યુક્ત પરિવર્તનશીલ કાળમાં જામ લાખા જાડાણીએ એક નગર જેવું જ લાખિયાર વિયરો નામક ગ્રામ વસાવ્યું હતું કે જે અદ્યાપિ એક ગામડાના રૂપમાં કચ્છમાં વર્ત્તમાન છે. આપણી વાર્ત્તાના


  1. * Prof. Lassen's Map of Anct. India explaining his Indian Antiquities.
  2. † Plinic Naturales Histarin.