પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
કચ્છનો કાર્તિકેય

સમયમાં એ જ ગ્રામ રાજધાનીનું નગર હતું. એ નગરમાં રાજધાની થવાનું કારણ એ થયું કે, સિંધુ દેશ (સિંધ)ના નગરસમૈ (વર્ત્તમાન નગરઠઠ્ઠા) નામક સ્થાનમાં ચંદ્રવંશીયોના રાજ્યની સ્થાપના થયેલી હતી અને તે રાજ્ય સારી રીતે સુવ્યવસ્થાથી ચાલતું હતું. એજ વંશના રાજ્યકર્ત્તાનું એક બીજું રાજ્ય કચ્છમાંના કેરા નામક નગરમાં પ્રવર્ત્તમાન હતું. કેરાનું રાજ્ય જામ લાખા ફુલાણી પછી ચાલ્યું નહિ અને કચ્છમાં બીજા બહારના રાજાઓ આવીને રાજ્ય કરવા લાગ્યા. એથી કચ્છ દેશની બહુ જ દુર્દશા થઈ ગઈ અને એ સમાચાર સિંધુ દેશના નગર સમૈના તે સમયના ભૂપાલ જામ જાડાના સાંભળવામાં આવ્યા. પરંતુ પોતાને કોઈ પુત્ર ન હોવાથી તેની પ્રાપંચિકી વૃત્તિઓનો બહુધા લોપ થયેલો હતો અને તેથી તેણે પોતે તો રાજ્ય લેવાનો કાંઈએ પ્રયત્ન ન આદયોં; પણ જામ જાડાના કનિષ્ઠ બંધુ વૈરેજીના બે કુમારો હતા અને તેમનાં અનુક્રમે લાખો અને લાખિયાર એવાં નામો હતાં. તેમાંના લાખાને જામ જાડાએ દત્તક કરી લીધો અને તેને જ પોતાના રાજ્યનો ઉત્તરાધિકારી બનાવ્યો. પણ લાખાને દત્તક લીધા પછી જામ જાડાને ઘેર પોતાની રાણીના પેટે એક પુત્રનો જન્મ થયો અને તેનું નામ ઘાઓ રાખવામાં આવ્યું. એ પુત્રના જન્મથી લાખાનો રાજ્યપરનો અધિકાર કાંઈ જતો રહ્યો નહોતો. એ વિશે કોઈ પણ પ્રકારની વિશેષ વ્યવસ્થા કર્યા વિના જામ જાડો પરલોકવાસી થયો અને પાછળથી તેના ઔરસ પુત્ર ઘાઆએ એવો દાવો કર્યો કેઃ “ઔરસ પુત્ર છતાં દત્તકને રાજ્ય કેમ મળે ?” એના ઉત્તરમાં લાખાએ જણાવ્યું કે: “વૈરેંજીનો મટી જાડાનો કહેવાયો, માટે રાજ્યસિંહાસને વિરાજવાનો અધિકાર મારો જ છે !” એવી રીતે ઔરસ પુત્ર અને દત્તક પુત્ર વચ્ચે વિવાદ ઉત્પન્ન થયો અને તેમાં કેટલોક કાળ વ્યર્થ વીતી ગયો. અંતે લાખાએ વિચાર કર્યો કે: “આવા વ્યર્થ વિવાદોમાં રાજ્યનો નાશ થઈ જશે અને સ્વાર્થપરાયણ તથા વિઘ્નસંતોષી જનો પોતાનો સ્વાર્થ સાધશે. કુસંપ થાય ત્યાં લાભ લોપાય છે; માટે મારે આ વિવાદ છોડી દેવો જોઈએ.” આવો મનોનિશ્ચય કરીને લાખાએ ઘાઆને કહ્યું કે: “તમો રાજ્ય સંભાળો; મારે આ રાજ્યની કશી પણ આવશ્યકતા નથી. જો મારામાં પરાક્રમ હશે, તો હું મારા બાહુબળથી કોઈ અન્ય સ્થાનમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરીશ.”

એ સમયે કચ્છ દેશના કેરા નામક નગરમાં જામ લાખો ફૂલાણી રાજ્ય કરતો હતો અને તેનો ભત્રીજો પુંઅરો પધરગઢમાં રાજ્ય ચલાવતો હતો. એ કાકા ભત્રીજા વચ્ચે જેમ પરસ્પર વિશેષ વિરોધભાવ પણ