પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
પલાયન

છચ્છરબૂટાએ રાણીની આવી અવસ્થાને જોઈને મનમાં વિચાર કર્યો કેઃ “જો આમ હવે નિરર્થક શોક કરવામાં જ સમય વીતી જશે, તો બીજા પણ કેટલાક અનર્થો થશે.” એટલે તે પોતાના હૃદયને દૃઢ કરી રાણીને સાવધ કરીને કહેવા લાગ્યો કેઃ “માતા ! જે બનવાનું હતું તે બની ગયું છે, માટે એ બાબતનો અત્યારે શોક કરવાને બદલે જે રાજકુમારો આપના ઘરમાં સલામત છે, તેમને બચાવવાનો પ્રયત્ન કરવો એ આપણું અત્યારે સર્વથી પ્રથમ કર્તવ્ય છે; કારણ કે, જામ રાવળ પોતે અથવા તો તેના ચાંડાલ અનુચરો કુમારોનો શોધ કરવામાટે નીકળી ચૂકેલા હોવા જોઈએ, એવો મારો નિશ્ચય છે. મારી એ જ પ્રાર્થના છે કે, કુમારોને મારા હાથમાં સોંપો, હું તેમને નિર્ભય સ્થાનમાં લઈ જઈશ અને મારા શરીરમાં જીવ છે ત્યાં લગી એમના પ્રાણોનું રક્ષણ કરીશ.”

અજાજીની રાણીને પણ છચ્છરની એ વાત સાચી જણાઈ અને તેથી પોતાના પતિ સાથે એ બાબતની વાતચીત કરીને છચ્છરની નિમકહલાલી તથા વફાદારી વિશે તેની ખાત્રી હોવાથી બન્ને કુમારોના હાથ તે બાઈએ છચ્છરના હાથમાં સોંપીને સાશ્રુનયનથી ભલામણ કરતાં કહ્યું કે :—

“છચ્છર, તું નિમકહલાલ નોકર છે એટલે તને વધારે ભલામણ કરવાની કાંઈ જરૂર તો નથી જ, તો પણ આવા પ્રસંગે ચાર શબ્દો બોલ્યા વિના મારાથી રહી શકાતું નથી. જો મારા મુખમાંથી અત્યારે કોઈ અયોગ્ય શબ્દ નીકળી જાય, તો માઠું લગાડીશ નહિ; કારણ કે, દુઃખમાં આવી પડેલાંનાં મન શંકાશીલ થઈ ગયેલાં હોય છે અને તે શંકાને લીધે કેટલીક વાર તેમના મુખમાંથી અયોગ્ય ઉદ્‌ગારો નીકળી જાય, એ સ્વાભાવિક જ છે. દૂધથી દાઝેલું માણસ છાશ પણ ફૂંકીને જ પીએ છે. આ રાજકુળનાં રત્નો અથવા તો કચ્છ રાજ્યની ભાવિ આશાને અમો અત્યારે વિશ્વાસથી તારા હાથમાં સોંપીએ છીએ, તો હવે એમનું રક્ષણ કરવું એ જ તારું પરમ કર્તવ્ય છે. ધનના લોભથી વિશ્વાસઘાત ન કરીશ. તારા પોતાના પ્રાણની આહુતિ આપીને પણ એમને બચાવજે, એટલી જ અમારી પ્રાર્થના છે. જો આ કાર્ય તું નિમકહલાલીથી બજાવીશ, તો ઇતિહાસમાં તારું નામ અમર થશે અને લોકો તારા મરણ પછી પણ તારી પૂજા કરશે. એ માનસમક્ષ તુચ્છ ધનની કશી પણ કીમત નથી એ ભૂલીશ નહિ ! જા અને કૃતાર્થ થા ! !”

"માતા, મારા વિશે મનમાં કશી પણ શંકા ન જ લાવશો. કદાચિત ચન્દ્ર અને સૂર્યની ગતિમાં પરિવર્તન થશે, પણ મારા હૃદયની