પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યુવરાજજન્મતિથિમહોત્સવ

અભાવ હોય, તો પાસેના હબાય પર્વતમાંથી એક નાળું કાઢેલું હોવાથી સરોવરમાં પાણીની કોઈ કાળે પણ ખોટ પડતી નહોતી.

ખેતીવાડીમાટે પણ રાજભંડારમાંથી કણબીઓને નાણાંની સારી રકમ આપવાની ગોઠવણ કરવામાં આવી હતી; એટલે સાધારણ કરતાં ધાન્યનો પાક વધારે પ્રમાણમાં થતો હતો. અત્યારે જેવી રીતે ખેડુતો વાણિયાઓ પાસેથી નાણાં ઉધાર લે છે અને પછીથી તેના વ્યાજમાં ને વ્યાજમાં જ તણાઈ જાય છે –અર્થાત્ કોઈ કાળે ઋણમાંથી મુક્ત થતા જ નથી; એ રીતિ તે સમયમાં પણ હતી. પરંતુ એ રીતિને અત્યન્ત હાનિકારક જાણીને જામ હમ્મીરજીએ કણબીઓને નાણાં ધીરવાનું એક જૂદું ખાતું રાખેલું હતું અને તે ખાતામાંથી અમુક શર્તે અમુક રકમ પ્રત્યેક ખેડુતને આપવી, એવો કાયદો કરવામાં આવ્યો હતો. એથી ધનધાન્યની વૃદ્ધિ થતાં દેશમાં પ્રજા પણ વધવા લાગી અને પરદેશમાં એ દેશની કીર્ત્તિનો વિસ્તાર થતાં કચ્છાધીશ જામ હમ્મીરની કીર્ત્તિપતાકા સર્વત્ર ફરકતી દૃષ્ટિગોચર થવા લાગી.

એવી એ સર્વ પ્રકારના વૈભવ અને સર્વ પ્રકારની ઋદ્ધિ સિદ્ધિથી ભરપૂર કચ્છરાજધાનીમાં આજે એક વિશિષ્ટ અને અપૂર્વ આનંદનો રંગ જોવામાં આવતો હતો. સર્વ પુરુષો નવીન વસ્ત્રો ધારણ કરીને ફરતા હતા અને સ્ત્રીઓ સોળ શ્રૃંગાર સજી હર્ષગીત ગાતી હતી. પ્રજાવત્સલ રાજા જામ હમ્મીરના કિંવા યુવરાજ રાજકુમાર ખેંગારજીની જન્મતિથિના મહોત્સવનો આજે શુભ દિવસ હોવાથી પ્રજાના મનમાં આનંદનો આવો અપૂર્વ ઉમળકો આવે, એ સર્વથા સ્વાભાવિક જ હતું. દરબારગઢમાં તો વળી એથી પણ અધિક આનંદનો વિસ્તાર થયેલો હતો અને અંતઃપુરમાંનો આનંદ તો સર્વથા અવર્ણનીય જ હતો. નગરમાંનાં સર્વ ગ્રહો તોરણોવડે શ્રૃંગારાયલાં હતાં અને અંતઃપુર તથા સભાસદનને પણ તોરણ તથા ધ્વજાપતાકાથી મંડિત કરવામાં આવ્યાં હતાં. અત્યારે આપણે સભાસદનમાંના એક વિશિષ્ટ દૃશ્યનું અવલોકન કરવાનું છે.

યુવરાજના જન્મદિવસમહોત્સવના શુભ પ્રસંગે આજે પ્રભાતમાં જ એક સભા ભરવામાં આવી હતી અને તેમાં જામ હમ્મીરજીના ભાયાતો, અન્ય સબંધીઓ, કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકો અને જમીનદારો આદિ કુમારનું દીર્ઘાયુષ્ય ઈચ્છવાને; તેમ જ કવિજનો તથા ભાટ અને ચારણો કુમારને આશીર્વાદ આપવાને ઉપસ્થિત થયા હતા. રાજાના સંબંધિજનોમાં જામ રાવળ સર્વથી મુખ્ય હતો. નાના પ્રકારના વસ્ત્રાલંકારમંડિત એ વિવિધ પુરુષોથી ઉભરાઈ જતી સભામાં થોડી વાર પછી મહારાજ જામ હમ્મીર પોતાના ચાર કુમાર-અલૈયાજી, ખેંગા-