પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કચ્છનો કાર્તિકેય

રજી, સાયબજી અને રાયબજી–સહિત આવી લાગ્યા અને સિંહાસને વિરાજ્યા. એ વેળાએ મહારાજા અને સર્વ કુમારોએ મૂલ્યવાન્ વસ્ત્રાભૂષણો ધારણ કર્યા હતાં, પરંતુ તેમાં પણ ખેંગારજીનાં વસ્ત્રાભૂણો સર્વ કરતાં ઉત્તમ હતાં, અને તેની તેજસ્વિતા પણ અપૂર્વ દેખાતી હતી. કુમારોવડે ઘેરાયલો સિંહાસનસ્થ રાજા નક્ષત્રોના મધ્યમાં શોભતા નિશાનાથ ચંદ્ર સમાન શોભવા લાગ્યો.

અહીં જણાવવું જોઈએ કે ખેંગારજી જામ હમ્મીરજીનો પ્રથમ કુમાર ન હોવા છતાં એને પ્રથમ પુત્ર કિંવા યુવરાજ તરીકે ઓળખાવવાનું કારણ એ કે, અલૈયાજી જ્યેષ્ઠ પુત્ર હોવા છતાં રખાયતનો પુત્ર હતો અને ખેંગારજી રાણીજાયો કુમાર હોવાથી હમ્મીરજી પછી સિંહાસનનો સ્વામી એ જ થવાનો હતો. એ ખેંગારજી પછી પણ જામ હમ્મીરની રાણીના પેટે સાયબાજી અને રાયબજી નામના બીજા પણ બે પુત્રો અવતર્યાં હતા અને કમાબાઈ નામક એક રાજકુમારી પણ હતી; પરંતુ તે રખાયતની પુત્રી હતી. એ પાંચ સંતાનોમાંનાં અલૈયાજી તથા કમાબાઈ વિના સર્વના જન્મોત્સવપ્રસંગે જામ રાવળ જામ હમ્મીરજીને ત્યાં આવી ગયો હતો અને પ્રત્યેક વેળાએ પોતાની ઘણી જ સારી લાગણી બતાવી હતી એટલે જામ હમ્મીરનો રાવળમાં અતિશય વિશ્વાસ અને અનિવાર્ય પ્રેમ બંધાયો હતો. જામ હમ્મીરે આસને વિરાજવા પછી સૌમ્ય મુદ્રા, ગંભીર વાણી અને આનંદદર્શક ભાવથી સર્વ સભાજનોને ઉદ્દેશીને કહ્યું કે;—

“મારા ભલા ભાયાતો, સંબંધિજનો, નાગરિકો અને પ્રજાજનો, આજે મારા યુવરાજ ખેંગારજીના જન્મતિથિમહોત્સવપ્રસંગે તમો સર્વને મારા આગારમાં એકત્ર થયેલા જોઈ તમારા મારા પ્રતિના સદ્‌ભાવનું અચાનક સ્મરણ થઈ આવે છે અને તેથી મારો હર્ષ અંતરમાંથી ઉછળીને બહાર નીકળી જાય છે. ખરેખર મને આવા પ્રેમી સંબંધીઓ અને આવી રાજનિષ્ઠ પ્રજા મળી છે, એ મારાં મહાભાગ્ય ! આ કૃપામાટે ઈશ્વરનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે. હું રાજા તો છું; પણ મારી ખરી શોભા અને સત્ય પ્રતિષ્ઠા કેવળ તમારાવડે જ છે. જામ રાવળજી ! તમારો તો મારે ખાસ આભાર માનવો જોઈએ; કારણ કે, કુમારોના જ્યારે જ્યારે પણ જન્મદિવસ આદિ શુભ પ્રસંગો આવે છે, ત્યારે તમે તો ગમે તે પરિશ્રમ વેઠીને આવ્યા વિના રહેતા જ નથી. મારા શિરપર તમારા ઉપકારનો ભાર વધારે અને વધારે ચઢતો જાય છે.”

"કૃપાનાથ, આ શું બોલો છે. રાજા તો ઘણા હોય છે, પણ