પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
કચ્છનો કાર્તિકેય

બધો આગ્રહ કર્યા કરે છે. અર્થાત્ એના અપરાધની એને યથાયોગ્ય શિક્ષા આપવી જ જોઈએ.” મનમાં એમ ધારીને તેણે ભીંયાને સવાલ કર્યો કે “બુઢ્ઢા તને કાંઈ સંતતિ છે ખરી કે ?”

"મહારાજ, આપનાં ચરણોના પુણ્યપ્રભાવે મને આઠ પુત્રો છે.”ભીંયાએ નિષ્કપટતાથી સરળ ઉત્તર આપ્યું.

“તારા તે બધા પુત્રોને અહીં બોલાવ.” રાવળે આજ્ઞા કરી.

ભીંયાએ આજ્ઞાવશ થઈને પોતાના આઠે પુત્રોને બોલાવીને જામ રાવળ સમક્ષ હારબંધ ઊભા રાખ્યા અને રાવળે તેમને શામાટે બોલાવ્યા હશે એ વિશે તે પોતાના મનમાં નાના પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યો. તરત જામ રાવળે પોતાની તલ્વારને મ્યાનમાંથી બહાર કાઢી અને તેના સર્વથી મોટા પુત્રની ગર્દન પર તલ્વારનો વાર કરીને તેના માથાને ધડથી જૂદું કરી ધૂળમાં રઝળતું કરી દીધું. જેની સ્વપ્નમાં પણ કલ્પના નહોતી, એ ભયંકર બનાવ બનેલો જોઈને ભીંયો મનમાં વિચાર કરવા લાગ્યો કેઃ “આ તો અતોભ્રષ્ટ અને તતોભ્રષ્ટ થવાનો જ પ્રસંગ આવી લાગ્યો ! કારણ કે, આ દુષ્ટ રાક્ષસ અમારો પણ નાશ કરશે અને ત્યાર પછી ગંજીઓમાં ભાલા ભોકતાં કુમારોનો પત્તો મળશે એટલે તેમનો પણ સંહાર કરી નાખશે ! હશે, જેવી ઈશ્વરેચ્છા. 'જીવ, તું વ્યર્થ શોક આ કરે; હરીને કરવું હોય તે કરે !' એ ઉપદેશને સ્મરીને જે બને તે જોયા કરવું, એ જ વધારે સારું છે. જ્યારે માથાપર બની જ આવી છે, ત્યારે પણ તો ન જ ખોવું !” એવી રીતે ચળિત મનનું સમાધાન કરીને તે મૌન ધારી પુત્રમરણના શોકથી અશ્રુ વર્ષાવતો શાંતિથી ઊભો રહ્યો.

રાવળ તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કેઃ “જોયું કે, આ રાજદ્રોહનું પરિણામ ! મારો નિશ્ચય છે કે આમાંની કોઈ પણ એક ગંજીમાં તેં કુમારોને સંતાડેલા છે; એટલે હજી પણ સમજીને બહાર કાઢી તેમને અમારા હાથમાં સોંપી દે. નહિ તો, કુમારો તો મળશે જ, પણ તે પૂર્વે વિના કારણે તારા પરિવારનો નાશ થશે અને સૂકા સાથે લીલું પણ બળી જશે!”

"જે થાય તે ખરું! જે વસ્તુ મારી પાસે નથી તે હું ક્યાંથી લાવી આપું ? અમારો નાશ આવી રીતે જ સૃજાયલો હશે, એમાં આપનો શો દોષ ? જે જુલ્મ કરવો ઘટે તે કરો.” ભીંયાએ બેપરવાઇથી જવાબ આપ્યો.

તરત જામ રાવળની બંદૂકની ગોળીથી ગતપ્રાણ થઈને ભીંયાનો બીજો પુત્ર પણ નિમેષ માત્રમાં સ્વર્ગમાં પ્રયાણ કરી ગયો. ભીંયાનો